મોરબીના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ઉપસ્થિતમાં વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવાયો
મોરબી, દિવ્યાંગ બાળકો એટલે એવા વિશિષ્ટ બાળકો કે ભગવાને જેમને સામાન્ય બાળકો કરતાં કંઈક ઓછું આપ્યું છે.ઓછું આપ્યું હોવા છતાં આ બાળકોમાં ઘણી બધી ખાસિયતો અને ખૂબીઓ હોય છે,ઘણી બધી સુષુપ્ત શક્તિઓ પડેલી હોય છે. એ શક્તિઓને બહાર લાવવાનું કામ માઁ મંગલ મૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળા દ્વારા કરવામાં આવે છે.વર્ષ 2001/02 માં શરૂ થયેલ શાળામાં શરૂઆતમા બે બાળકો હતા.હાલમાં બોયઝ હાઈસ્કૂલમાં ચાલતી પિસ્તાલીસ જેટલા દિવ્યાંગ બાળકોનું લાલન, પાલન,પોષણ અને ભણતર, ઘડતર અને ચણતર કરવામાં આવે છે,દિવ્યાંગ દિવસ નિમિત્તે તમામ બાળકો વાલી સાથે એકત્ર થયા અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોષી, માનવ મંદિર ટ્રષ્ટના ટ્રષ્ટિ પ્રદીપભાઈ વોરા,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા,ભરતભાઈ સોલંકી વગેરેએ દિવ્યાંગ બાળકો અને વાલીઓ માટે પ્રેરક ઉદબોધન કર્યા હતા.
દિવ્યાંગ બાળકો સાથે કામ કરવા માટે ખુબજ ધીરજ ધરવી પડે,મગજ પર બરફ રાખીને શાંતિપૂર્વક રીતે કામ કરવું પડે,આ તકે ઉપસ્થિત વાલીઓએ દિવ્યાંગ બાળકો માટે મોરબીમાં નિવાસી સંસ્થા શરૂ થાય એ માટે સૌએ સહિયારા પ્રયત્નો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.મંગલ મૂર્તિ શાળા દ્વારા દિવ્યાંગ બાળકો માટે કામ કરતા,સંસ્થાને હમેંશા મદદરૂપ બનતા દિનેશભાઈ વડસોલા, વૈશાલીબેન જોષી, પ્રદીપભાઈ વોરા, ભરતભાઈ કૈલા, ભરતભાઈ સોલંકી વગેરેને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરાયા હતા,અંતમાં બાળકો અને વાલીઓ રેલીમાં જોડાયા હતા.કાર્યક્રમ સફળ બનાવવા દુર્ગાબેન કૈલા,દિપાબેન કોટેચા,નેહાબેન જાની,હર્ષિદાબેન જાની,પદ્માબેન,અંજનાબેન વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.