જુના મનદુઃખનો ખાર રાખી બે શખ્સોએ કાકા-ભત્રીજા તથા મિત્રને માર મારી છરી હુલાવી
હળવદના માથક ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે માવો ખાવા ઉભા રહેલ કાકા-ભત્રીજા તથા મિત્ર ઉપર જુના મનદુઃખનો ખાર રાખી માથક ગામના શખ્સ તથા અન્ય અજાણ્યા શખ્સ દ્વારા લાકડાના ધોકા અને છરીથી હુમલો કરી ત્રણેયને ઇજાગ્રસ્ત કર્યા હતા, જેમાં એક યુવકને વાંસાના ભાગે છરી મારી દેતા તેને સારવાર અર્થે માથક, મોરબી બાદ રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો, હાલ ઇજાગ્રસ્ત યુવક દ્વારા હોસ્પિટલના બિછાનેથી બંને આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા રોહિતભાઈ રૈયાભાઈ દેકવાડિયાએ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતેથી આરોપી અજય રૂડાભાઈ જેતપરા તથા આરોપી અજાણ્યા શખ્સ એમ બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે ગઈ તા.૦૪/૧૨ના રોજ રાત્રીના રોહિતભાઈ તેમનો મિત્ર યોગેશભાઈ તેમજ કાકા મહિપતભાઈ એમ ત્રણેય મોટર સાયકલ ઉપર ખેતરડી ગામ જઈ રહ્યા હોય તે દરમિયાન મોટર સાયકલમાં પેટ્રોલ ભરાવવા માથક ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ ખાતે ઉભા રહ્યા હતા. જ્યાં આરોપી અજય અને એક અજાણ્યો શખ્સ હાથમાં લાકડાનો ધોકો લઈ આવી આ આરોપી અજય કે જેની સાથે રોહિતભાઈને જુનું મનદુઃખ ચાલતું હોય તે ત્યાં આવી રોહિતભાઈ સહિતના ત્રણેયને કહેવા લાગ્યો કે મોડી રાત્રીના અમારા ગામમાં તમે ત્રણેય કેમ આવ્યા છો તેમ કહી ગાળો આપી લાકડાના ધોકાથી યોગેશભાઈ અને મહિપતભાઈને માર મારવા લાગ્યો જ્યારે આરોપી અજાણ્યો શખ્સ રોહિતભાઈની ઢીકા પાટુનો માર મારવા લાગેલ આ દરમિયાન રોહિતભાઈએ આરોપી અજયના હાથમાંથી લાકડાનો ધોકો પડાવી લેતા આરોપી અજયે પિતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી રોહિતભાઈના વાસામાં છરીનો આર્ક ઘા મારી બંને શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા.
જે બાદ રોહિતભાઈને સારવાર અર્થે તાત્કાલિક માથક ગામે આવેલ ખાનગી હોસ્પિટલ બાદ મોરબી ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં રોહિતભાઈની સારવાર ચાલુ હોય.જે બાદ સંપૂર્ણ સભાન અવસ્થામાં રોહિતભાઇએ આરોપી બંને વિરુદ્ધ હળવદ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.