પતિને સીરામીકના ધંધામાં ખોટ જતા લીધેલ વ્યાજે રૂપિયા પાછા આપી દેવા તૈયારી બતાવવા છતા ખેતર ભુલી જવા સહિતની ધમકીઓ
ટંકારા:મોરબી જીલ્લામાં વ્યાજખોરોનો આતંક દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે, વ્યાજના વિષચક્રમાં અનેકો પરિવારના માળા વિખેરાઈ ગયા હોય તો કેટલાય પરિવારે પોતાની જમીન, દાગીના, મકાન આ વ્યાજખોરીના દુષણમાં ખોઈ બેઠા હોય ત્યારે સરકાર દ્વારા વ્યાજખોરીના દુષણને ડામવા અનેકો સફળ પ્રયાસો હાથ ધરી વ્યાજખોરો સામે કડક હાથે કામગીરીની ઝુંબેશ ચલાવી કેટલાય પીડિત પરિવારોને ન્યાય અપાવ્યો છે, ત્યારે વધુ એક પીડિત પરિવાર દ્વારા કાયદાના માધ્યમ દ્વારા ન્યાયની સંપૂર્ણ આશા સાથે ત્રણ વ્યાજખોર સામે અરજીના રૂપમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ટંકારા તાલુકાના ઘુનડા(ખાનપર) ગામે રહેતા પીડિત પરિવારની મહિલા દ્વારા એસઓજી પોલીસ કચેરી ખાતે અરજી કરી છે, જેમાં પતિને સીરામીકના ધંધામાં ખોટ જતા ઉંચા વ્યાજે લીધેલ રૂપિયાના બદલામાં પોતાના ખેતરની જમીન ગામમાં જ રહેતા ત્રણ વ્યાજખોરો દ્વારા ધાક ધમકી આપી પોતાના નામે કરાવી લીધી હોય જે વ્યાજે લીધેલ રૂપિયા પરત આપવા છતા ખેતરની જમીન પાછી ન આપી રહેલ ત્રણ વ્યાજખોરો સામે કાયદાના માધ્યમથી ખેતરની જમીન પરત અપાવવાની માંગણી સાથે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા(ખાનપર) રહેતા વર્ષાબેન બીપીનભાઈ વસરામભાઈ કાસુંદ્રા એ ત્રણ વ્યાજખોર આરોપી કાલીકાસિંહ બનેસંગ ગોહિલ, સવજીભાઇ લવજીભાઇ માલકીયા તથા મહેન્દ્રસિંહ રોહિતસિંહ ગોહિલ
રહે ત્રણેય ઘુનડા(ખાનપર)તા.ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે વર્ષાબેનના પતિ બીપીનભાઇને સીરામીકના ધંધામા ખોટ જતા દેવુ થઇ જતા પોતાની ખેતીની જમીનનુ સોદાખત કરી અડાણે મુકેલ હોય, આ ખેતીની જમીન છોડાવવા આરોપી કાલિકાસિંહ તથા આરોપી સવજીભાઈ માલેકિયા પાસેથી રૂપીયા ત્રીસ લાખ વ્યાજે લીધેલ હોય, ત્યારે આરોપી કાલિકાસિંહે વર્ષાબેનના પતિને કામનુ બહાનુ કરી ટંકારા લઇ જઇ ત્યાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી બીપીનભાઈને ટંકારા સબ રજિસ્ટ્રાર કચેરીમા લઇ જઇ બીપીનભાઈની ‘ડાંભારૂ’ નામથી ઓળખાતી ખેતીની જમીન ૯ વીઘાનુ ખેતર જેના ખાતા નંબર ૫૫૪ છે તેનો બળજબરીથી પોતાના ભાઇ આરોપી રોહિતસિંહ બનેસંગ ગોહિલના નામનો દસ્તાવેજ કરાવી લીધો હતો. આ આરોપીઓ કાલિકાસિંહ અને સવજીભાઈ વ્યાજ વટાવધારા લાઇસન્સ વગર નાણાની ધીરધાર કરી વર્ષાબેનના પતિ પાસેથી ઉંચુ વ્યાજ વસુલી તેમજ મુદ્દલ પૈકી રૂપીયા વીસ લાખ વસુલ કરી બાકી રહેતા વ્યાજ સહિતના બાર લાખ ચુકવ્યેથી વર્ષાબેનને તેઓના ખેતરનો દસ્તાવેજ કરી આપવાનુ કહ્યું હતું. હાલ વર્ષાબેન પોતાનુ બીજુ ખેતર વેચી વ્યાજ સહિત બાકી રહેતા રૂપીયા બાર લાખ લઇ વ્યાજખોર આરોપીઓ પાસે જઈ વર્ષાબેનના પતિના નામે ઉપરોકત ખેતરનો દસ્તાવેજ કરી આપવા પતિ-પત્નીએ આરોપીઓને કહેતા આરોપીઓએ ‘જમીન ભુલી જજો’ એવુ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી વર્ષાબેને પોતાની ખેતરની જમીન પરત મેળવવા ત્રણેય વ્યાજખોર આરોપીઓ સામે પ્રથમ અરજી કર્યા બાદ રૂબરૂ ફરિયાદ કરવાની તૈયારી બતાવી છે, હાલ ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.