સતત ત્રીજા દિવસે મોરબીમાં SMC ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.જેમાં મોરબીના નવલખી રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાંથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે એક આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબીમાં ધામા નાખવા આવ્યા છે અને ગઈકાલે કોલસા કૌભાંડ બાદ આજે સતત બુટલેગરના ઘરે SMC દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે.જેમાં મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રધાપાર્કમાં રહેણાંક મકાનમાં SMC ટીમે દરોડો પાડી રૂપિયા ૫૩,૮૪૪ ની કિંમતના સાત પેટી વિદેશી દારૂના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે અને આ જથ્થા સાથે મયુરસિંહ ઘનુભા ઝાલા નામના આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે SMCએ એક મોબાઈલ અને દારૂ મળી કુલ રૂપિયા ૫૮,૮૪૪ નો મુદ્દામાલ કબજે કરી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે દારૂ આપી જનાર મારાજ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.