મોરબી જીલ્લાના નવલખી બંદરથી કચ્છ જીલ્લાનાં કંડલા બંદર સધી સમુદ્ર સેતુ બ્રીજ બનાવવાની માંગ સાથે મોરબીના સામાજિક કાર્યકર અને આગેવાન ભાવિક હરીશભાઈ ભટ્ટ તથા હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
મોરબીના રહેવાસી ભાવિક હરીશભાઈ ભટ્ટ તથા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, નવલખી બંદર વિકસાવવા માટે તેમજ મોરબી-કચ્છનાં ઉદ્યોગોનાં વિકાસ માટે સમુદ્ર સેતુ બ્રીજ ખુબ જ જરૂરી છે. હાલમાં ગુજરાત રાજય વિકાસની હરણફાળ ભરી રહેલ છે. ત્યારે જો આ બ્રીજ બને તો ટ્રાન્સપોર્ટેશન ઝડપી – સરળ કિફાયતી બની રહેશે. મોરબી ઔદ્યોગીક નગરી – સીરામીક – સેનીટેશન – પોલીપેક પેપર મીલ – ઘડીયાળ – નળીયા વિ. ઉદ્યોગોને લીધે વિશ્વભરમાં ખ્યાતી મેળવેલ છે. કચ્છ જીલ્લો પણ ઔદ્યોગીક તેમજ પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ત્યારે નવલખી કંડલા દરિયાઈ માર્ગે સમુદ્ર સેતુ બને તે સમયની માંગ છે. આ બ્રીજ બનવાથી નાગરીક પરીવહન તેમજ માલ પરીવહન સસ્તુ, ઝડપી અને સરળ થશે.
ભાવિક હરીશભાઈ ભટ્ટ તથા હસમુખભાઈ ગઢવી દ્વારા બ્રીજનું મહત્વ દર્શાવતા જણાવવામાં આવ્યું હતું કે, નવલખી–કંડલા દરિયાઈ માર્ગે ૭ નોટીકલ માઈલનું અંતર આશરે ૧૩ કી.મી. છે. અત્યારે નવલખીથી કંડલા BY ROAD જવા માટે ૧૪૭ કિ.મી. નું અંતર કાપવું પડે છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ ૧૬૦૦/- કરોડ છે. નિષ્ણાંત એન્જીનીયરો દ્વારા સાચો ખર્ચ જાણી શકાય. આ માર્ગ બનશે તો કંડલા–નવલખી વચ્ચે દરિયાઈ ૭ ટાપુનો વિકાસ થશે કે જયાં ટ્રાન્સપોર્ટનગર તેમજ સોલાર પેનલ તેમજ પવન ચકકી જેવા પ્રોજેકટ ભવિષ્યમાં થઈ શકશે. પ્રવાસન, ધાર્મિક તેમજ ઔદ્યોગીક વિકાસ થવાની સાથોસાથ અત્યારે સૌથી કિંમતી માનવ સમય તથા ઈધણની બચત અને ફાયદો થશે તેમજ અકસ્માતોનું પ્રમાણ પણ નહીવત થશે. તે ઉપરાંત નવલખીથી કંડલા સમુદ્ર સેતુ જો સાત ટાપુ ઉપરથી બનાવવામાં આવે તો કન્સ્ટ્રકશન કોસ્ટ ઘટાડી શકાય તેમ છે. જો સાત ટાપુ ઉપરથી સમુદ્ર સેતુ બને તો 50% ટાપુ ઉપર બ્રીજ બને તેમ છે. બાકીનાં ૪૦% જ દરિયાઈ માર્ગ ઉપર બ્રીજ બનશે જેથી બાંધકામ ખર્ચ ઘટી જશે. આમ આર્થિક ખર્ચ પણ ઘટાડી શકાય તેમ છે. જો તજજ્ઞ એન્જીનીયરો દ્વારા ભૌગોલીક પરિસ્થિનો સર્વે થાય તો આ પ્રોજેકટ કાર્યાન્વિત થશે જેથી સમય, ઈધણની બચત થશે. તેમજ અકસ્માતો નીવારી શકાશે અને સુરજબારી પુલ ઉપરનું ટ્રાફીક ભારણ પણ ઘટી જશે. તેમ મોરબીના રહેવાસી ભાવિક હરીશભાઈ ભટ્ટ તથા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.