મોરબીમાં માળીયા ફાટક નજીક સર્કિટ હાઉસની સામેથી પસાર થઈ રહેલા મોટરસાયકલ સવાર દિયર-ભાભીને અકસ્માત નડ્યો હતો, જેમાં સુપર કેરી માલવાહક વાહને મોટર સાયકલને હડફેટે લેતા દિયર-ભાભી બંને રોડ ઉપર પટકાયા હતા, જેથી મોટર સાયકલમાં નુકસાની થઈ હતી જ્યારે બીજીબાજુ સારવાર અર્થે હોસ્પિટલમાં રહેલ દિયરને બંને પગમાં તથા હાથમાં ફ્રેકચર તેમજ ભાભીને શરીરે મૂંઢ ઇજાઓ પહોંચી હતી, અકસ્માત સર્જી સુપર કેરી વાહનનો ચાલક પોતનું વાહન સ્થાક ઉપર રાખી નાસી ગયો હતો, હાલ અકસ્માતના આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા, પોલીસે આરોપી માલવાહક વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના નાની-વાવડી ગામે જયશક્તિ સોસાયટીમાં શેરી નં-૧ માં રહેતા સુનિલભાઈ ડાયાભાઇ વાઘેલા ઉવ.૪૮ ગઈ તા.૧૫/૧૧ના રોજ તેમના કુટુંબી ભાઈ ગીરીશભાઈ રહે. મોરબી-૨ ભડિયાદ રોડ જીવરાજ પાર્ક સોસાયટી વાળાના ઘરે મકાનનું કામ ચાલતું હોય જેથી તેઓ પોતાનું હોન્ડા સાઈન રજી.નં. જીજે-૦૩-ઈજી-૯૪૧૭ લઈને ગયા હતા. જ્યાંથી સુનિલભાઈ અને ગીરીશભાઈના પત્ની મંજુબેન સિમેન્ટના પતરાનું નક્કી કરવા મહેન્દ્રનગર ચોકડીએ ગયા હોય જ્યાંથી પરત આવતા હોય તે દરમિયાન માળીયા ફાટકથી આગળ સર્કિટ હાઉસના ગેટની સામે પહોંચ્યા હોય ત્યારે સુપર કેરી વાહન રજી.નં. જીજે-૩૬-વી-૧૫૧૭ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે રોંગ સાઈડમાં આવી સુનિલભાઈને મોટર સાયકલ સાથે સામેથી અથડાવતા સુનિલભાઈ અને તેમના ભાભી મંજુબેન મોટર સાયકલ સહિત રોડ ઉપર પડી ગયા હતા.
આ અકસ્માત બાદ આજુબાજુ એકઠા થયેલા લોકોએ બંને ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં સુનિલભાઈને બંને પગે ફ્રેકચર તેમજ ખંભામાં પાસળીના ભાગે ફ્રેકચર અને મંજુબેનને શરીરે સામાન્ય મૂંઢ ઇજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત સર્જી સુપર કેરી વાહનનો ચાલક અકસ્માત સર્જી પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો, ત્યારે ઇજાગ્રસ્ત સુનિલભાઈની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.