પત્ની સાથેના પ્રેમસંબંધના ખારથી કરેલ હુમલામાં ઘાયલ પ્રેમીનું સારવાર દરમિયાન મોત નિપજતા હત્યાની કલમ હેઠળના ગુનામાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
મોરબીમાં સીટી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં વર્ષ ૨૦૨૧માં પત્ની અને તેના પ્રેમી પર ધારીયાથી હુમલો કરતા સારવાર દરમિયાન પ્રેમીનું મૃત્યુ નીપજ્યું હતું જે કેસ મોરબી સેસન્સ કોર્ટ માં ચાલી જતા હત્યાના ગુનામાં તકસીરવાન સાબિત થયેલ આરોપી ઈકબાલભાઈ મહમદહુસેનભાઈ બ્લોચ (રાજકોટ કોઠારીયા સોલાવન્ટ)ને મોરબી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
મોરબીમાં વર્ષ ૨૦૨૧ ના મે માસમાં ઘટેલી ઘટનામાં, એ ડિવિઝન પોલીસ મથક ખાતે તા. ૦૪ મે, ૨૦૨૨ના રોજ નોંધાયેલી ફરિયાદ અનુસાર, રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા ઈકબાલભાઈ મહમદહુશેનભાઈ બ્લોચે પોતાની પત્ની નસીમબેન અને તેના પ્રેમી પર લોખંડના ધારીયા/દાંતરડાથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રેમી વિજયભાઈને પેટના ભાગે અને શરીરે ધારીયા/દાંતરડા વડે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે નસીમબેન વચ્ચે પડતા તેને હાથમાં ધારીયાનો એક ઘા મારી ઇજાઓ પહોંચી હતી. ફરિયાદી પ્રેમીનું સારવાર દરમીયાન તા.૧૧ મે ૨૦૨૧ના રોજ અવસાન થયું હતું.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, નસીમબેન વારંવાર ફરીયાદી(મરણ જનાર), જે તેમની સાથે પ્રેમસંબંધમાં હતા, અને તેના ઘરે જતા આવતા હતા. આ બાબતે આરોપી પતિ ઈકબાલભાઈને જાણ થતાં તેઓ લોખંડના ધારીયા સાથે ફરીયાદીના મકાન પર પહોંચી ગયા અને ગાળો આપીને પ્રેમી વિજયભાઈને પેટના ભાગે તેમજ અન્ય જગ્યાએ ઘા ઝીંક્યા હતા. આ દરમિયાન નસીમબેન વચ્ચે પડતાં તેઓને પણ હાથમાં ઘા મારવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન ફરિયાદીનું મૃત્યુ નિપજતા આરોપી વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો થયો હતો.
આ કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા, જેમાં ૨૧ મૌખિક પુરાવા અને ૪૩ દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલ વી.સી. જાની દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલોના આધારે, આરોપી ઈકબાલભાઈને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજાનો આદેશ આપ્યો હતો.