મોરબીના ભડિયાદ રોડ ઉપર બૌદ્ધનગરમાં રહેતા પડોશીએ પોતાની આજીવિકા માટે ઉપયોગ કરતા બોલેરો ગાડી પર લોન અને પત્નીના નામે પર્સનલ લોન લઈને તેના રૂ.૧.૬૦ લાખ પાડોશીને આપી આર્થિક મદદ કરી હતી, ત્યારે આ ઉપકારનો બદલો પડોશીએ અપકારથી દીધો હતો, લીધેલી લોનના હપ્તા અને રૂપિયા તો ન ભર્યા ઉપરથી અનેકો વાર હપ્તા ભરવા કહેતા પાડોશીને ગાળો આપી છરીથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આખરે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
મોરબીના બૌદ્ધનગર ભડીયાદ રોડ ખાતે રહેતા જગદીશભાઈ કલાભાઈ પરમાર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે, તેમણે પડોશી પ્રવિણભાઈ રામજીભાઈ પુરાણી અને તેમના પત્ની જયશ્રીબેન કે જેઓ બહારથી ઊંચા વ્યાજે રૂપિયા લેતા હોય જેથી પાડોશી-ધર્મની ભાવના મુજબ પ્રવીણભાઈ અને તેમના પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે જગદીશભાઇએ પોતાની બોલેરો કાર નં. જીજે-૩૬-ટી-૩૨૦૯ ઉપર રૂ. ૧ લાખની લોન અને પત્નીના નામે પર્સનલ લોન રૂપે રૂ. ૬૦ હજાર રૂપિયા એમ કુલ ૧.૬૦લાખ રૂપિયા પ્રવિણભાઈને આપ્યા હતા.
ત્યારે પ્રવિણભાઈએ કહ્યું હતું કે તેઓ લોનના તમામ હપ્તા સમયસર ભરી આપશે, પરંતુ હપ્તા ભરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે લોનનું હપ્તા જગદીશભાઈને ભરવા પડી રહ્યા હતા, આ બાબતે ઘણીવાર પ્રવિણભાઈને કહેવા તથા સમજાવવા છતા પરંતુ પ્રવીણભાઈ હપ્તા ભરતા ન હોય.
આ દરમિયાન ગઈ તા.૧૦ ડિસેમ્બરના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે, પ્રવિણભાઈએ જગદીશભાઈને જાહેરમાં ગાળો આપી અને કહ્યું કે તેઓ હપ્તા નહીં ભરે અને હવે રૂપિયાની માંગણી કરી છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી, ત્યારે તમામ બાબતોને લઈને જગદીશભાઈએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પ્રવીણભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.