રાજકોટના મવડી મેઈન રોડ ઉદયનગરમાં રહેતા રીક્ષા ચાલકને રીક્ષાના હપ્તા ભરવા પોતાની રીક્ષા મોરબીના શખ્સને રૂા.૩૦૦માં ભાડે ચલાવવા આપી હતી. જે બાદ આરોપી રીક્ષા લઇ નાસી છુટતા માલવીયાનગર પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. જેને લઇને માલવિયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના મવડી મેઈન રોડ પર ઉદયનગરમાં રહેતા ૫૨ વર્ષીય મહેન્દ્રભાઈ શ્રવણભાઈ ડોડીયાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી તરીકે ભાવિન સોલંકી (રહે. સનાડા રોડ, બસ સ્ટેન્ડ પાસે, મોરબી) વાળો રીક્ષા ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. ૪- ૪-૨૦૨૨ના રીક્ષા નં. જીજે ૩૬ યુ૭૦૦૩ કિંમત રૂા. એક લાખ જે તેમના મિત્ર મનીષ કુબાવત પાસેથી રૂા. ૨૦ હજાર બહાના પેટે આપી ખરીદ કરી હતી. જેમાં લોન ચાલુ છે જેનો પ્રતિ માસ રૂા. ૭૩૦૦નો હપ્તો ભરે છે. તે દરમ્યાન તેમની તબિયત ખરાબ રહેતા રીક્ષાના હપ્તા ભરવા માટે રિક્ષા ભાડેથી આપવાની નકકી કર્યુ હતું. જેથી મિત્ર દ્વારા ભાવિન સોલંકીનો સંપર્ક થયો અને તા. ૨૬-૮- ૨૦૨૪ના પ્રતિદિન રૂા. ૩૦૦ના ભાડાથી તેમને રીક્ષા ભાડે આપી હતી. આરોપી નકકી થયેલ મુજબ રૂા. ૩૦૦ બે થી ત્રણ દિવસ ભાડુ આપ્યું હતુ. ત્યારબાદ તે ભાડુ આપવા ન આવતા તેનો સંપર્ક કરતા તેણે હમણા રીક્ષાના ભાડા નથી આવતા તેથી રૂપિયાની સગવડ હાલ મારી પાસે નથી તેમ કહી વિશ્વાસમાં લેતો હતો. જે બાદ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ફોન બંધ કરી દિધો હતો. જેથી ફરિયાદીની રૂ. એક લાખની રીક્ષા લઈ આરોપી ફરાર થઈ ગયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જે અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.