ટ્રકે હાઇવે ઉપર કારને જોરદાર ટક્કર મારતા કાર પલ્ટી મારી ગયી,માતાપિતાને ઇજાઓ
મોરબી-રાજકોટ હાઇવે ઉપર નવી બનતી કોર્ટ બિલ્ડીંગ પાસે ગત મોડીરાત્રીના ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેદરકારીપૂર્ણ ચલાવી ટીંબડી ગામ રહેતા પરિવારને કાર સહિત હડફેટે લીધા હતા, જેમાં ટ્રકે કારને સાઈડમાં ટક્કર મારતા કાર પલ્ટી મારી ગયી હતી, ત્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. કાર સવાર પરિવારને આજુબાજુ એકઠા થયેલા સ્થાનિકોએ બહાર કાઢી સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સમાં પહોચાડ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્ત કાર ચાલકે અકસ્માત સર્જી નાસી જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના ટીંબડી પાટીએ હરિ સોસાયટીમાં રહેતા અનિલભાઈ નવઘણભાઈ લીંબડીયા ઉવ.૩૧ ગત તા.૧૬/૧૨ના રોજ મોડીરાત્રીના ટંકારાથી મોરબી પોતાની બ્રેઝા કાર રજી.નં.જીજે-૦૩-એનપી-૫૫૧૦ લઈને પત્ની તથા બે દીકરીઓ સાથે આવતા હોય ત્યારે મોરબી રાજકોટ હાઇવે નવી બનતી કોર્ટ બિલ્ડીંગ સામે ડિવાઈડર સામે ટ્રક ચાલકે પોતાનો ટ્રક રજી.નં. જીજે-૩૬-વી-૬૪૪૬ પુરપાટ ગતિએ અને બેદરકારી રીતે ચલાવી બ્રેઝા કારને ડ્રાઇવર-સાઈડ જોરદાર ટક્કર મારી હતી, જેથી કાર પલ્ટી મારી ગયી હતી ત્યારે અકસ્માતની ઘટનાથી એકઠા થયેલા માણસોએ કાર સવાર પરિવારના ચારેય સભ્યોને પલ્ટી મારી ગયેલ કારમાંથી બહાર કાઢ્યા હતા, ત્યારે કાર ચાલક અનિલભાઈ અને તેમની પત્નીને ઇજાઓ પહોંચી હતી જેથી સારવાર અર્થે ૧૦૮ બોલાવતા ચારેયને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને નાસી ગયો હતો, ત્યારે બ્રેઝા કાર ચાલક ઇજાગ્રસ્ત અનિલભાઈ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ હોસ્પિટલ ચોકી ખાતેથી ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ ટ્રક ચાલક આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.