ટંકારા તાલુકાના નેકનામ ગામમાં અપહરણ થયેલ બે બાળકો હાર્દિક (ઉવ.૩) અને વૈભવ (ઉવ.૧.૫)ને મોરબી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સફળતાપૂર્વક શોધી કાઢી મહિલા આરોપીને ઝડપી લેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ દાહોદ જીલ્લાના વખાસીયા ગામના હાલ ટંકારના નેકનામ-પડધરી રોડ ઉપર આવેલ કાંતિલાલ ભાણજીભાઇના ખેતરમાં ખેત મજૂરી કરતા ફરીયાદી કેશરભાઈ જેઠાભાઈ બારીઆએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ કાંતીભાઈ પટેલની વાડીએ બંને બાળકો રમતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા બંને બાળકોનું અપહરણ કર્યું હતું.
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ ત્વરિત કામગીરીની સૂચના આપતા વાંકાનેર ડિવિજન ડીવાયએસપી એસ.એચ. સારડા ના માર્ગદર્શન હેઠળ ટંકારા,વાંકાનેર સિટી અને વાંકાનેર તાલુકા પોલીસ તેમજ મોરબી એલસીબી અને SOG સહિતની વિવિધ ટીમો અપહ્યીત બાળકોને શોધી કાઢવા બસ સ્ટેશન,રેલવે સ્ટેશન સહિતના જિલ્લા ભરના સ્થળોમાં તપાસ હાથ ધરી હતી તેમજ સી.સી.ટી.વી ફુટેજ, હ્યુમન સોર્સ અને ટેકનીકલ માહિતીના આધારે વાંકાનેર શહેર, નેકનામ, મીતાણા અને વાલાસણ ગામોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અપહરણ કરનાર મહિલા આરોપી સાથે બંને માસુમ બાળકોને વાંકાનેર ખાતેથી શોધી કાઢી સુરક્ષિત રીતે વાલીને સોંપવામાં આવ્યા હતા.આ બનાવમાં ધોરણસરની કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે અને આરોપી મહિલાની પૂછપરછ શરૂ કરી છે અને મહિલા ગોળ ગોળ વાતો કરતી હોય પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.
ત્યારે બીજી બાજુ પોલીસની ત્વરિત કાર્યવાહી અને બાળકોને હેમખેમ શોધી કાઢનાર સમગ્ર ટીમનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.