મોરબીના પાનેલી ગામે ફારસર પાટી તરીકે ઓળખાતી સીમમાં આવેલ ખેતીની જમીનમાં પાનેલી ગામના માલધારીએ ખેતર ફરતી આડસ હટાવી આશરે ૧૫ નાના-મોટા માલ-ઢોર પશુઓ ખેતરમાં ચરવા મૂકી દેતા આશરે ૪ વિઘામાં ખેડૂતના કપાસના વાવેતરમાં અને ડુંગળીના ઉભા મોલને નષ્ટ કરી નાખી નુકસાની કરી હતી, જે બાદ નુક્સાનીની ભરપાઈ આજદિન સુધી ન કરી હોય જેથી ખેડૂત દ્વારા માલધારી ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત પંચાયત એક્ટ સહિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાનેલી શેડ વાળી વાડીમાં રહેતા મહાદેવભાઈ ડાયાભાઇ રવજીભાઈ ડાભીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તારીખ ૫ ડિસેમ્બરના રોજ રાત્રે ૯ વાગ્યે પાનેલી ગામે ફારસર વીડી નામે ઓળખાતી સીમમાં મહાદેવભાઈના ખેતરમાં આરોપી મુન્નાભાઇ રાણાભાઈ ભરવાડના નાના-મોટા ૧૫ જેટલા ગાય, ભેંસ પશુઓ ઢોર ઘુસીને સાડા ત્રણ વીઘાના કપાસનો ઉભો મોલ તથા અડધા વિઘામાં ડુંગળીના વાવેલ પાકને નુકસાન કર્યું હતું.
બીજીબાજુ મહાદેવભાઈએ આરોપી મુન્નાભાઈ ભરવાડ અને તેના સગા સંબંધીની હાજરીમાં ખેતરમાં થયેલ પાકને નુક્સાનીની ભરપાઈ માટે જણાવતા તેઓએ નુકસાનીની ભરપાઈ કરવા માટે જણાવ્યું હતું, જે માટે આજદિન સુધી આરોપી મુન્નાભાઈ દ્વારા વ્યવસ્થિત જવાબ ન મળતા આખરે ફરિયાદી મહાદેવભાઈ દ્વારા આરોપી વિરુદ્ધ પ્રથમ અરજી સ્વરૂપે ફરિયાદ બાદ રૂબરૂ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે આરોપી સામે બીએનએસ તથા ગુજરાત પંચાયત એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.