ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ન્યાયના વિલંબ અને સ્ટાફની અછત અંગે યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરી.
મોરબી, જામનગર અને રાજકોટ જીલ્લા માટે એક જ ન્યાયમૂર્તિ હોવાથી ફરીયાદીઓને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે. મોરબી જીલ્લાની ગ્રાહક અદાલતમાં સ્ટાફની અછત અને અન્ય સુવિધાઓના અભાવ અંગે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જીલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી, જામનગર અને રાજકોટ જેવા ત્રણ મોટા જીલ્લાઓ માટે એક જ ન્યાયમૂર્તિ છે, જેનાથી ફરીયાદીઓને ન્યાય મેળવવામાં ભારે વિલંબનો સામનો કરવો પડે છે.
આ ઉપરાંત મોરબી જીલ્લા ગ્રાહક અદાલતમાં કલાર્ક, સ્ટેનો, ચપરાશી નથી, જેથી ફરીયાદીને પારાવાર મુશ્કેલી થાય છે. અને ફરીયાદીને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે. મોરબી ઓદ્યોગિક શહેર હોઈ ગ્રાહક અદાલતમાં ઘણા કેસો આવે છે. આવી પરીસ્થીતીમાં ગ્રાહક સુરક્ષા જેવી યોજના નિષ્ફળ જતી હોઈ તેવુ દેખાઇ રહ્યુ છે. મોરબીની પરીસ્થીતી એવી છે કે ગ્રાહક અદાલતને ફેસલો આવી જાય પણ ફરીયાદીએ હુકમ લેવા જામનગર જવું પડે છે. જામનગર મોરબી થી ૧૧૦ કીલોમીટર દુર છે. ગરીબ ફરીયાદીને ત્યાં જવું પાલવે નહીં. અહીં ઓર્ડર નથી મળતો તેનું કારણ મોરબી જીલ્લામાં ગ્રાહક અદાલતમાં રેગ્યુલર કલાર્ક નથી સ્ટેનો નથી પટાવાળા નથી.
મોરબી જીલ્લાનું મથક હોઇ ગ્રાહક અદાલતમાં જગ્યા ખાલીને કારણે ફરીયાદી હેરાન થાય તો ફરીયાદીના જણાવ્યા પ્રમાણે હુકમ મોરબીમાં મળે અને ન્યાય મૂર્તિથી માંડી સ્ટાફની જગ્યા પુરાઈ તો અદાલતની યોજના સફળ થશે. મોરબી ગ્રાહક અદાલતમાં ચુકાદા આપ્યા પછી હુકમ મોરબી ગ્રાહક અદાલતમાં મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી. ફરીયાદીને અન્યાય થાય તો ૩૦ દિવસમાં સ્ટેટ કમીશનમાં જવામાં મોડુ થાય તો તેણે હુકમ લેવા જામનગર જવું પડે છે અને ચાર-પાંચ જીલ્લા વચ્ચે એક જ ન્યાય મૂર્તિ છે. સ્ટાફ ભરતી અને ન્યાય મૂર્તિની ભરતી માટે યોગ્ય કરવા વિનંતી. ફરીયાદીને ન્યાય મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી સાથે લેખિત રજુઆત કરવામાં આવી છે.