ટંકારા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના ક્વાર્ટરમાં રેઇડ કરીને વિદેશી દારૂની ૪૬૫ નંગ બોટલ ઝડપી લેવામાં આવી છે, જ્યારે વિદેશી દારૂ વેચાણના આશયથી ઉતારનાર મૂળ બંગાવડી ગામનો આરોપી રેઇડ દરમિયાન હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે.
મોરબી જીલ્લામાં આગામી ૩૧ ડીસેમ્બર અનુસંધાને પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહી. જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુચના કરેલ હોય જે અન્વયે ટંકારા પીઆઇ એસ.કે.ચારેલ તથા પીએસઆઇ એમ.જે.ધાધલ સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પીઆઇ એસ.કે.ચારેલને ખાનગીરાહે હકિકત મળેલ કે ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતો રાજેન્દ્રસિંહ જાડેજાએ બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર કવાર્ટરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. અને તેની આજુબાજુમાં બેસી ઇંગ્લીશ દારૂનુ છુટકમાં વેચાણ કરે છે. જે મુજબની બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી, ત્યારે ટંકારા પોલીસે સ્થળ ઉપરથી મેકડોવેલ્સ ડિલક્સ વ્હિસ્કીની ૪૬૫ નંગ બોટલ કિ.રૂ. ૨,૬૦,૮૬૫/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો, આ સાથે આરોપી રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજા રહે. બંગાવડી તા. ટંકારાવાળો રેઇડ દરમિયાન હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.