એક પછી એક ત્રણ બોગસ તબીબ ઝડપાયા, માનવ આરોગ્ય સાથે ચેડા કરવા બદલ પોલીસની કાર્યવાહી.
મોરબીમાં તબીબી ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ચલાવતા તબીબો સામે મોરબી પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસ દ્વારા તાજેતરમાં ત્રણ બોગસ તબીબને ઝડપી લઈ, માનવ આરોગ્ય સાથે ચેડાં કરવાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ બદલ ધરપકડ કરવામાં આવી છે, જેમના ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપથી દવાઓ અને ઈન્જેક્શનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લામાં તબીબી વ્યવસ્થાનો દુરુપયોગ કરતા બોગસ તબીબો સામે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ગત ૧૭ ડિસેમ્બરના રોજ મોરબીના લક્ષ્મીનગર ગામે શ્રીરામ ક્લિનિક ચલાવતા હિતેશ કારાવાડિયા નામના બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપી કોઈપણ તબીબી ડિગ્રી વિના એલોપથી દવાઓથી દર્દીઓની સારવાર કરી રહ્યો હતો.
આ ઘટના પછી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિત્યાનંદ સોસાયટી નજીક શ્રીજી ક્લિનિક ચલાવતા પ્રણવ અશોકભાઈ ફળદુ નામના બોગસ તબીબની બી ડીવિઝન પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેના ક્લિનિકમાંથી પોલીસે ૮,૯૪૧/- રૂપિયાની એલોપથી દવાઓ કબ્જે કરી આવી હતી.
જ્યારે સીટી એ ડિવિઝન પોલીસે ત્રીજો બોગસ તબીબ અશ્વિન વેલજીભાઈ નકુમને પંચાસર રોડ પરથી પકડવામાં આવ્યો હતો, તે તેના પંચાસર રોડ સ્થિત ઘરના ફળિયામાં દવાખાનું ચલાવી રહ્યો હતો. તેની પાસેથી પોલીસે રૂ.૧૮,૭૬૨/- એલોપથી દવાઓ, બોટલો, ઈન્જેકશન જેવા તબીબી સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે ત્રણેય બોગસ તબીબો સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટીસનરી એક્ટ હેઠળ ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે.