મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં લંપટ શિક્ષકની વિરૂદ્ધ સગીરાની જાતીય સતામણી અંગે ગુનો નોંધાયો છે જે મામલે સમસ્ત મોરબી બ્રહ્મ સમાજ દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી જે પત્રમાં ઊભી થયેલ ગેરસમજણને ધ્યાને નહિ લઈ આજના પત્રને ધ્યાનમાં લઈને તટસ્થ અને યોગ્ય તપાસ કરવા માંગ કરતી રજૂઆત કરાઇ છે.
સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા ગઇકાલે મોરબીની સગીર વિદ્યાર્થિની સાથે જાતીય સતામણી કરવાના અંગે પોક્સો એકટ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી રવિન્દ્ર ત્રિવેદી મામલે મોરબી જિલ્લા પોલીસ વડાને પત્ર લખી તેને પ્રબુદ્ધ નાગરિક અને સ્વચ્છ છબી ધરાવતો ગણાવવામાં આવ્યો હતો જે લખાણ વાળા લેટરપેડ સાથે ગઈ કાલે રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે ગંભીર ગુનામાં આ પ્રકારની રજૂઆત ને લઈને આંતરિક વિવાદ ઊભો થયો હતો અને અન્ય લોકોમાં પણ આ રજૂઆત ને અયોગ્ય ઠેરવવામાં આવી હતી અને પત્રમાં થોડીક ગેરસમજણ ઉભી થવા બાબતે સમસ્ત બ્રહ્મ સમાજ મોરબીએ જિલ્લા પોલીસ વડાને aઆજે વધુ એક પત્ર લખ્યો છે જેમાં ગઈકાલે લખેલ પત્રને ધ્યાનમાં ન લેવા અને આ કેસમાં યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં આવે માંગ કરવામાં આવી છે અને ગઇકાલની વિવાદિત રજૂઆત ને લઇને ઉઠેલા વિરોધના વંટોળ ને શાંત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.