શ્રમિક પરિવારે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ખેત શ્રમિક પરિવારની ૪ વર્ષીય બાળકી વાડીની ઓરડી બહાર રમતી હોય તે દરમિયાન ટ્રેક્ટરના ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવી કપાસની સાઠીનું કટીંગ કરવા ટ્રેક્ટર પાછળ લાગેલ ચકરીમાં બાળકીને હડફેટે લઈ લેતા બાળકીનું શરીર ત્રણ ભાગમાં કપાઈ ગયું હતું, ત્યારે બનેલ ગંભીર બનાવ મામલે શ્રમિક પરિવાર દ્વારા આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ટંકારાના કલ્યાણપર ગામે રસુલભાઈની વાડીમાં છેલ્લા ૮ વર્ષથી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની નુરુભાઈ જોગડીયાભાઈ કીકરિયા ઉવ.૨૪ એ ટંકારા પોલીસ મથકમાં ટ્રેક્ટર રજી.નં. જીજે-૩૬-એજે-૯૫૧૮ ના ચાલક આરોપી ઈન્જામુલભાઈ રસુલભાઈ સેરસીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૫/૧૨ના રોજ આરોપી પોતાના હવાળા વાળા ટ્રેક્ટરની પાછળ કપાસની સાંઠીયું કાપવા ચકરી લગાડી ટ્રેક્ટર ચલાવતો હોય જ્યારે ફરિયાદી નુરુભાઈના સંતાનો વાડીની ઓરડી બહાર રમતા હોય ત્યારે આરોપી ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી નુરુભાઈની ૪ વર્ષીય દીકરી તેજલને ટ્રેક્ટર હડફેટે લેતા તેજલ ટ્રેક્ટરની પાછળ લાગેલ ચકરીમાં આવી ગયી હતી અને શરીરના ત્રણ ભાગમાં કપાઈ જતા ૪ વર્ષીય તેજલનું સ્થ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જે મુજબની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.