મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયાના ખખડધજ મકાનમાં બિયરનો જથ્થો રાખી તેનો વેપલો કરતા એક ઇસમને સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ ઉપરથી બિયરના ૧૪૪ નંગ ટીન કબ્જે લઈ પકડાયેલ આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના શનાળા રોડ સ્થિત હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયામાં રહેતો પ્રહલાદસિંહ પોતાના રહેણાંક બ્લોકની બાજુમાં આવેલ અતિ જર્જરીત બ્લોકમાં બિયરનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરે છે જે મુજબની પોલીસને મળેલ બાતમીને આધારે પોલીસે ત્રણ માળીયા એમ-૨૫ બ્લોક નં.૧૩૦માં રેઇડ કરતા એક ઈસમ પૂંઠાના બોક્સની હેરાફેરી કરતો રંગેહાથ પકડાઈ ગયો હતો, પોલીસે બોક્સની તલાસી લેતા કિંગફિશર બિયરના કુલ ૧૪૪ નંગ ટીન કિ.રૂ.૧૪,૪૦૦/-મળી આવ્યા હતા. જેથી પોલીસે આરોપી પ્રહલાદસિંહ અર્જુનસિંહ ઝાલા ઉવ.૨૪ રહે. શનાળા રોડ હાઉસિંગ બોર્ડ ત્રણ માળીયા એમ-૨૫ બ્લોક નં.૧૩૩ વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.