વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા ખેડૂત વૃદ્ધને માટેલ અરણીટીંબા નજીક રોડ આંતરી બે ઈસમો દ્વારા જમીન લે-વેચના રૂપિયા આપવા છે કે નહીં તેમ કહી વૃદ્ધને લોખંડના પાઇપ અને લાકડાના ઢીકા હોકી જેવા હથિયારથી બેફામ માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઈસમો સામે ભોગ બનનાર વૃદ્ધ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ જીવાપર રોફ સહકારી મંડળી આગળ રહેતા હુશેનભાઇ જલાલભાઇ ખોરજીયા ઉવ.૭૩ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી નજરૂદીનભાઇ ગનીભાઇ બાદી રહે.મહીકા ગામ તા.વાંકાનેર તથા અન્ય એક અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા. ૨૩/૧૨ના રોજ હુશેનભાઈ પોતાનું વાહન લઇ અરણીટીંબા નજીક ડેરીએ દુધ આપી પરત પોતાના ઘરે વાલાસણ જતા હોય ત્યારે માટેલ અરણીટીંબા બોર્ડથી આગળ પીપળીયારાજ તરફ જાહેર રોડ ઉપર પહોંચતા ઉપરોક્ત આરોપીઓએ પોતાની કાળાકલરની ફોરવ્હીલ સાથે આવ્યા હતા અને હુસેનભાઈને રોકાવીને ગાડીમાંથી બળપૂર્વક નીચે ઉતારી આરોપી નજરૂદીનભાઈએ કહ્યું કે ‘જમીન લે વેંચના પૈસા આપવાના છે કે નહીં’ જે બાબતે હુસેનભાઈએ ના પાડતા ઉશ્કેરાઇ જઇ ભુંડી ગાળો આપી બંને આરોપીઓએ પોતાની પાસે રહેલ લાકડાના ધોકા હોકી જેવાથી તેમજ લોખંડના પાઇપ વતી હુસેનભાઈને પગમાં ફે્રચર જેવી ઇજાઓ તેમજ ડાબા પગમાં મુંઢ તેમજ આરોપી અજાણ્યા શખ્સએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી પોતાની ફોરવ્હીલ કાર લઇ નાશી ગયા હતા, જે મુજબની ફરિયાદને આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓની અટકસયાત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.