૦૧/૧૨ના રોજ થયેલ મારા મારીની ઘટનામાં વળતી ફરિયાદ નોંધાઈ
માળીયા(મી)માં અણીયારી ટોલનાકા નજીક ગત તા.૦૧/૧૨ના રોજ આર્ટિગા કારને આંતરી ૭ શખ્સોએ કરેલ હુમલાની ઘટના અંગે માળીયા(મી) પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં હાલ સબજેલમાં રહેલ આરોપી દ્વારા ૩ આરોપીઓ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે, જુના ઝઘડાનો ખાર રાખી થયેલ માથાકૂટમાં સમાધાન માટે બોલાવી ધારીયા-ધોકા વડે માર મારતા ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા(મી)ના ખીરઈ ગામે રહેતા ઇકબાલભાઈ હાજીભાઈ મોવર જે હાલ મોરબી સબજેલમાં હોય તેને માળીયા(મી) પોલીસ મથક ખાતે આરોપી અબ્દુલભાઇ ઉર્ફે કાળો ઉમરભાઈ જેડા, ગુલામહુસેન અલાયાભાઈ જેડા, હૈદરભાઈ અલાયાભાઈ જેડા રહે. ત્રણેય નવાગામ માળીયા(મી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી ઈકબાલભાઈના મામાને અગાઉ આરોપી અબ્દુલ ઉર્ફે કાળુના ભાણેજ સાથે માથાકુટ થયેલ હોય તેનું મનદુખ રાખી ગત તા. ૦૧/૧૨ના રોજ અણીયારી ટોલનાકા પાસે સમાધાન માટે બોલાવી ઉપરોક્ત ત્રણેય આરોપીઓ અર્ટીકા ફોરવ્હીલ નંબર જીજે-૩૯-સીબી-૭૧૮૧મા આવી ત્રણેય આરોપીઓએ ઈકબાલભાઈ તથા સાહેદોને ગાળો બોલી આરોપી ગુલામહુશેન અલાયાભાઇ જેડાએ ફરીયાદીને ધારીયા વડે માથામાં એક ઘા મારી ફુટની ઇજા કરી તેમજ આરોપી હૈદરભાઈએ ધોકાથી ફરીયાદીને ડાબા હાથમાં મારી મુંઢ ઇજા કરી તમામ આરોપીએ ગુનામાં એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદના આધારે હાલ માળીયા(મી) પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.