મોરીબી-માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના બોર્ડ પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં માળીયાથી મોરબી આવતી સ્વીફ્ટ કાર ડમ્પર-ટ્રકનો ઓવરટેક કરવા જતા કાર ડમ્પરના ઠાઠામાં અથડાઈ હતી જે અકસ્માતની ઘટનામાં સ્વીફ્ટ કાર ચાલકનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય યુવકને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી, ત્યારે બનાવ અંગે મૃતક કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા(મી)માં મોવર શેરીમાં રહેતા મમદહનીફભાઇ કાદરભાઇ ભટ્ટી ઉવ.૨૮ અને હુશેનભાઇ રહીમભાઇ મોવર તથા મારૂતિ સુઝુકી સ્વીફ્ટ કાર નં. જીજે-૩૮-બીડી-૨૧૯૯ કાર માલીક અકબરભાઇ સંધવાણી એમ ત્રણ જણા ગઈ તા.૧૦/૧૨ ના રોજ માળીયા થી મોરબી આવતા હતા ત્યારે સ્વીફ્ટ કાર ચાલકે પોતાના હવાલાવાળી કાર રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડમા પોતાની આગળ જતા ટ્રક ડમ્પર નંબર- જીજે-૧૨-એવાય-૬૪૪૪ વાળાની સાઇડ કાપવા માટે જતા સ્વીફ્ટ કાર ડમ્પરમાં પાછળથી ઠાઠામાં અથડાઈ હતી, જેથી ફરીયાદીને શરીરે ખભામા તથા ડાબી પાંસળીમા ફે્ક્ચર જેવી ઇજા પહોંચી હતી જ્યારે કાર ચાલકને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે આ અકસ્માતની ઘટનામાં મૃતક કાર ચાલક અકબરભાઇ અબ્બાસભાઇ સંધવાણી રહે.મોવર શેરી માળીયા(મી) વાળા વિરુદ્ધ મમદહનીફભાઇ ભટ્ટીએ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.