મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઝૂલતા પુલ પીડિત પરિવારોએ ફર્ધર તપાસ CBI ને સોંપવામાં આવે તેવી માંગ સાથે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી અગાઉ હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી. જો કે, હાલ આ અરજી ફરીથી કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા હુકમ કરાયો છે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઝૂલતા પુલ પીડિત પરિવારોએ કરેલ ફર્ધર તપાસની અરજી મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો હુકમ ફરમાવ્યો છે. અગાઉ ઝૂલતા પુલ ટ્રેજેડી વિકટીમ એસોસિએશન એ CBI ને તપાસ સોંપવાની અરજી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આ કેસમાં સ્થાનિક પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવી ન હોય સમગ્ર કેસમાં મુખ્ય આરોપી ઓરેવા ગ્રુપ હોવા છતાં પોલીસ દ્વારા ઢીલી તપાસ રાખી ઓરેવા ગ્રુપમાંથી તેને લગતા કોઈ પુરાવા જપ્ત કરવામાં આવ્યા નથી જેથી આગામી દિવસોમાં કેસ ની ટ્રાયલ દરમિયાન તેની અસર થવાની સંભાવના વ્યક્ત કરી હતી જેથી આ કેસની ફેર તપાસની જરૂરિયાત હોય અને જેથી સમગ્ર કેસની તપાસ CBI કે પછી સ્વતંત્ર એજન્સી પાસે કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા તે અરજી નામંજૂર કરવામાં આવી હતી. જે હુકમને પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા CBI તપાસની માંગ સાથેની અરજી ફરીથી કરવા હુકમ કરાયો છે. જેથી હવે પીડિત પરિવારો CBI તપાસની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે.