ભારતીય જનતા પાર્ટીમાં હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે તેવામાં જિલ્લા પ્રમુખોની જાહેરાત ગમે તે ક્ષણે થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ જિલ્લા પ્રમુખ પદ માટેની દાવેદારી કરનાર ઉમેદવારોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે પ્રમુખ પદ માટે લોબિંગમાં એડીચોટીનું જોર લગાવનાર કાર્યકરો હવે જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે જિલ્લા પ્રમુખની યાદી બહાર પડે પરંતુ તેમની સાથે અગાઉ જાહેર થયેલ શહેર- તાલુકા મંડલના પ્રમુખની યાદીમાં બાકાત રહેલ ટંકારા,વાંકાનેરના મંડલ પ્રમુખ માટે દાવેદારી કરનાર ઉમેદવારોમાં પણ એટલી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.
વાત કરીએ વાંકાનેરની તો તાલુકા-શહેર મંડલના પ્રમુખ પદ માટે કાર્યકરોની લાઈન જોવા મળી હતી જેમાં પાર્ટીની ગાઈડ લાઈનમાં બંધ બેસતા ઉમદવારો દ્વારા દાવેદારી કરી અને લોબિંગ માટે નખથી શીખ સુધી દોરડા લંબાવી દીધા હતા છતાં પણ પાર્ટી દ્વારા વાંકાનેરની યાદીમાં વિલંબ કરતા સૌ રાહ જોતા રહી ગયા હતા ત્યારે ફરી માહોલ ગરમ થતા સૌ ઉમેદવારો ગેલમાં આવી ગયા હોય અને જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય એવુ લાગી રહ્યું છે ત્યારે જોવા જઈએ તો વાંકાનેર તાલુકા પ્રમુખ માટે 9 નામો બહાર આવ્યા હતા જેમાં તાલુકા પ્રમુખ માટે ઠાકોર સમાજનાં કોઈ ઉમેદવારને પ્રમુખ બનાવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.જ્યારે વાત કરીએ શહેરની તો શહેર પ્રમુખ માટે 14 લોકોએ દાવેદારી નોંધાવી હતી જેમાં હાલની સ્થિતિએ જોવા જઈએ તો શહેર પ્રમુખ માટે ભારે અસમંજસ જોવા મળી રહી છે.ત્યારે ભરેલા નારિયેળ જેવી સ્થિતિમાં પાર્ટી કોના પર પ્રમુખ પદનો કળશ ઢોળશે તે તો આવનાર સમયમાં સત્તાવાર જાહેરાત બાદ જ ખબર પડશે.
જ્યારે ટંકારા તાલુકાના સંગઠન ની વાત કરી તો અહી મામલો બિચક્યો છે અને રિતસર અંદરખાને હુસાતુસી સુધી પહોચ્યો હોય પક્ષ નહી પરંતુ પોતાનું જુથ મજબૂત કરવા માટે લોબીંગ કરાતું હોવાનું જાણવા મળ્યું છે સેન્સ હેઠળના બે જુથ ને બાદ કરતા એક લોકપ્રિય ચહેરાની પંસદગી થઈ શકે એવી ચર્ચા શરૂ થઈ છે જોકે હવે ટંકારા શહેર ઉપરાંત તાલુકાનું સંગઠન જીલ્લા પ્રમુખની વરણી થયા બાદ જ થાય એવું ટોચના સુત્રો પાસેથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.