SMC એ દેશી દારૂ, આઈ-૨૦ કાર, ૩ મોબાઇલ સહિત ૪.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય સૂત્રધાર, દેશી દારૂ આપી જનાર તથા સ્થાનિક ડિસ્ટ્રીબ્યુટર સહિત પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો.
મોરબીમાં ફરી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે રંગપર(બેલા) ગામ નજીક રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન દેશી દારૂના ગોરખધંધાની ગેરકાયદેસરની પ્રવૃત્તિનો પર્દાફાશ કરી બે ઇસમોને ૭૫૦ લીટર દેશી દારૂ સાથે પકડી પાડવામાં આવ્યા છે, SMC ટીમ દ્વારા સ્થળ ઉપરથી દેશી દારૂ, આઈ-૨૦ કાર, ૩ નંગ મોબાઇલ સહિત રૂપિયા ૪.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે પકડાયેલ બંને આરોપીઓની કબૂલાતમાં દેશી દારૂના ગેરકાયદેસરના વેપલાનો મુખ્ય સૂત્રધાર, દેશી દારૂ આપી જનાર તથા આસપાસના વિસ્તારમાં દેશી દારૂનું વિતરણ કરનાર એમ ત્રણ આરોપીઓના નામ ખુલતા તેને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળેલ કે મોરબી-૨ કાંતિનગરમાં રહેતો અનવર ઉર્ફે દડી તેના મળતીયાઓને સાથે રાખી રંગપર(બેલા) ગામ નજીક લેવીટ કારખાના પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે રંગપર(બેલા) નજીક કારખાના પાછળ વોકળા કાંઠે રેઇડ કરી હતી. ત્યારે SMC દ્વારા સ્થળ ઉપરથી ૭૫૦ લીટર દેશી દારૂ, ગ્રે કલરની આઈ-૨૦ કાર રજી.નં.જીજે-૦૩-એલબી-૮૫૧૧, ૩ નંગ મોબાઇલ સહિત રૂપિયા ૪,૭૬,૮૦૦/-ના મુદ્દામાલ સાથે બે આરોપી અકબરભાઈ કરીમભાઈ સમા ઉવ.૪૭ રહે.મોરબી-૨ માળીયા ફાટક કાંતિનગરમાં બચુભાઇના મજનમાં ભાડેથી તથા આરોપી સાહિલભાઈ જાનમહંમદભાઈ ભટ્ટી ઉવ.૨૦ રહે. મોરબી-૨ માળીયા ફાટક કાંતિનગર અનવર ઉર્ફે દડી ના મકાનમાં ભાડેથી એમ બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા.
પકડાયેલ બંને આરોપીઓની સઘન પૂછતાછમાં આ સમગ્ર દેશી દારૂ અનવર ઉર્ફે દડી હાજીભાઈ માલાણી નો છે, તેના કહેવાથી દેશી દારૂમાં પાણી મિશ્રિત કરી તેનું સૉર્ટીંગ કરવામાં આવતું, જ્યારે અનવર ઉર્ફે દડીના કહેવાથી દેશી દારૂનો જથ્થો સુરેન્દ્રનગર જીલ્લાના ઢેઢુકી ગામનો જીગ્નેશ ઉર્ફે ડાકુ કાળુભાઇ પંચાળ મહિન્દ્રા જાઈલો કારમાં અહીં આપી ગયો હોય તેમજ સૉર્ટીંગ થયેલ દેશી દારૂ અનવર ઉર્ફે દડી નો સાળો ઇમરાન મોરબીવાળો અહીંથી લઈ જઈ અલગ અલગ સ્થળોએ સપ્લાય કરતો હોવાની કબૂલાત આપી હતી, હાલ SMC દ્વારા ઉપરોક્ત મુખ્ય સૂત્રધાર અનવર ઉર્ફે દડી, તેનો સાળો ઇમરાન તેમજ સુ.નગર જીલ્લાના ઢેઢુકી ગામનો જીગ્નેશ ઉર્ફે ડાકુ એમ ત્રણ આરોપીઓને ફરાર દર્શાવી પાંચેય આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ ચલાવી છે.