બોલેરો સવાર વ્યક્તિનો એક પગ છૂંદાઈ ગયો
ટંકારાના વિરપર ગામ નજીક આઇસર ચાલકે પોતાનું વાહન પુરપાટ ગતિએ ચલાવી રોડ ઉપર ઉભેલ બોલેરોની પાછળ જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં ડિવાઈડર પાસેના જાહેરાતના બોર્ડ ઉતારી રહેલ એડ કંપનીના કર્મચારીનો એક પગ સાવ છૂંદાઈ ગયો અને બીજા પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે બોલેરો ચાલકને શરીરે મૂંઢ ઇજાઓ પહોંચી હતી, હાલ ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે આઇસર ચાલક આરોપી સામે ટંકારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ જૂનાગઢના કડાયા ગીરના વતની હાલ રાજકોટ રામાપીર ચોકડી બંસીધર-૧ શેરી નં.૧ માં રહેતા સાહિલ ભુપતભાઇ બાબરીયા ઉવ.૨૧ એ ટંકારા પોલીસ સમક્ષ આઇસર રજી.નં. જીજે-૩૬-ટી-૫૩૧૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં ગઈ તા.૦૯/૦૧ના રોજ સાંજના સુમારે ફરીયાદી તથા તેની સાથે રહેલા ડ્રિમ એડ કંપનીના કર્મચારી દિલીપભાઇના હવાલાવાળી બોલેરો ગાડી જીજે-૧૦-ટીએક્સ-૬૮૫૦ માંથી જાહેરાતના બોર્ડ ઉતારી બોલેરોમાં પાછળના ભાગે ચડતા હોય તે વખતે આઇસર ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બોલેરોની પાછળના ભાગે ભટકાળી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં ફરીયાદી સાહિલ ભુપતભાઇ બાબરીયાને ડાબા પગે ફેકચર તથા જમણો પગ કપાવવો પડે તેવી ગંભીર ઇજા તથા બોલેરો ચાલક દિલીપભાઇને શરીરે મુંઢ ઇજા પહોંચી હતી, ત્યારે અકસ્માતના બનાવ અંગેની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.