ત્રણે સ્થળોની ફરિયાદોમાં કુલ ૧૦૮ ગાયો ગુમ થયાનો ખુલાસો, ગાયો કતલ કરવા અર્થે વહેંચી નાખવામાં આવતી હોવાનુ સામે આવ્યું.
માળીયા, હળવદ અને ધાંગધ્રામાં ગાયો ગુમ થયા અંગે માલધારીઓએ ફરિયાદ નોંધાવી છે. ત્રણ વિસ્તારોમાંથી કુલ ૧૦૮ ગાયો ગુમ થઈ છે, જેમાં ગાયો કતલ કરવા અર્થે વહેંચી નાખવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધાંગધ્રાના પીપળાના માલધારીએ પણ ચીખલી ગામના પિતા-પુત્રને ૫૦ ગાયો ચરાવવા આપી હતી જે ગાયો પરત ન મળતા માળીયા(મી)પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
માળીયા મીયાણા અને હળવદ બાદ હવે સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકમાં પણ ગૌહત્યાકાંડનો મામલો બહાર આવ્યો છે. ધ્રાંગધ્રાના પીપળા ગામે રહેતા અને પશુપાલન સાથે સંકળાયેલા ગોપાલભાઈ સિધાભાઈ ગોલતરે ગઈ તા.૧૧/૧ના રોજ માળીયા(મી)પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેમની અને તેમના કૂટુંબી ભાઈ મફાભાઈ ગોલતરની કુલ ૫૦ ગાયો ચરાવવા માટે ચીખલીના પિતા-પુત્રને આપી હતી તે પરત ન કરી તેને પણ હત્યા કરવાના હેતુ વેચી નખાઈ છે.
ગોપાલભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે ૨૦૨૩માં પીપળા ગામમાં ધાસચારાની તંગીના કારણે તેઓએ તેમના સંબંધી વાધાભાઈના માર્ગદર્શનથી ચીખલી ગામના મુસ્તાક અમીનભાઈ અને અમીનભાઈ કરીમભાઈ લધાણીને ગાયો ચરાવવા માટે સોંપી હતી. જે બદલે દર મહિને રૂ. ૩૦૦ના ખર્ચે ગાયો ચરાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતમાં થોડા સમય બાદ તપાસ કરવામાં આવી ત્યારે ગાયો સલામત હતી. પરંતુ જે બાદ ગાયો ગુમ થઈ ગઈ હતી. આ માટે જ્યારે ફરીથી ગાયો અંગે તપાસ કરવા જતા આરોપી મુસ્તાકભાઈ અને અમીનભાઈએ ગાયો વીડીમાં ગયી છે, જંગલમાં ગયી છે તેવા બહાના આપી ગાયો પરત આપતા ન હતા, ત્યારબાદ જાણવા મળ્યું કે આ બંને આરોપી માળીયા મીયાણા ગૌહત્યાકાંડમાં સંડોવાયેલા છે અને જેલમાં બંધ છે. માળીયા મીયાણા અને હળવદની જેમ અહીં પણ ગાયો કતલ કરવા અર્થે વહેંચી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્રણે સ્થળોની ફરિયાદોને મળીને કુલ ૧૦૮ ગાયો ગુમ થયાનો ખુલાસો થયો છે. હાલ માળીયા(મી) પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.