વ્યવહારિક વાંધાનો ખાર રાખી કરવામાં આવેલ હુમલામાં પિતા-પુત્રને બેઝ-બોલના ધોકા ફટકાર્યા, સારવારમાં હોસ્પિટલ ગયા ત્યાં પણ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી
વાંકાનેરમાં વ્યવહારિક વાંધાનો ખાર રાખી વાહન સાઈડમાં ચલાવવાનું કહી માસિયાયી ભાઈઓએ હાલ રાજકોટ રહેતા પિતા-પુત્રને ઢીકાપાટુ તથા બેઝ-બોલના ધોકાઓ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આ દરમિયાન સારવાર માટે હોસ્પિટલ ગયા ત્યારે પણ પિતરાઈ ભાઈઓ ત્યાં આવી વાંકાનેરમાં પગ નહીં મુકવા દે તેવી ગર્ભિત ધમકીઓ આપી હતી, ત્યારે ઝઘડો કરી માર મારવા તેમજ ધમકીઓ આપવાના બનાવ બાબતે ભોગ બનનાર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના મોટા મવા કાલાવાડ રોડ ઉપર રહેતા મૂળ વાંકાનેરના વતની સંજયગીરી વિનોદગીરી ગોસ્વામી ઉવ.૫૦ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી જયેશગીરી દીલીપગીરી ગોસ્વામી, નીલેશગીરી દીલીપગીરી ગોસ્વામી, વત્સલગીરી નીલેશગીરી ગોસ્વામી, જયદીપગીરી જયેશગીરી ગોસ્વામી ચારેય રહે.વાંકાનેર તથા આરોપી અમીતગીરી ભુપેન્દ્રગીરી ગોસ્વામી રહે.રાજકોટવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યાનુસાર સંજયગીરીને અને આરોપીઓ વચ્ચે વ્યવહારીક વાધા ચાલાતા હોય ફરીયાદી સંજયભાઈને આરોપીઓ સાથે સબંધ રાખવાની ના પાડેલ હોય જે બાબતનો ખાર રાખી ગઈ તા.૧૩/૦૧ના રોજ ફરિયાદી સંજયગીરી પરિવાર સાથે વાંકાનેર આવ્યા હોય ત્યારે વાહનમાં પેટ્રોલ ભરાવવા ફરીયાદી સંજયભાઈનો દીકરો મિત ગયો હોય ત્યારે જીનપરા મેઈન રોડ ઉપર તેની સાથે આરોપીઓએ વાહન ચલાવવા બાબતે ઝગડો કર્યો હોય જે બાદ સંજયગીરીના દીકરાએ ઝઘડા બાબતે પિતાને ફોન દ્વારા જાણ કરતા સંજયગીરી સ્થળ ઉપર આવ્યા ત્યારે બંને પિતા-પુત્રને બેઝબોલના ધોકા વડે તથા ઢીકાપાટુ વતી પગે અને વાસામા મુંઢમાર મારી ગાળો બોલી ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી, હાલ પોલીસે પાંચેય આરોપીઓ સામે બી.એન.એસ કલમ તથા જી.પી. એકટ કલમ હેઠળ ગુનો દાખલ કરી તમામની અટક કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.