મોરબી કોર્ટનો નિર્ણય: પુરાવાના અભાવે પાંચેય આરોપીઓ નિર્દોષ
મોરબી કોર્ટ દ્વારા ઉંચા વ્યાજ પર નાણા ઉઘરાવવા અને પઠાણી ઉઘરાણીના વર્ષ ૨૦૨૩ના કેસમાં પુરાવાના અભાવે તમામ પાંચ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ફરીયાદી દ્વારા રજૂ કરાયેલા પુરાવા આરોપીઓને દોષિત ઠરાવવામાં પુરતા ન હોય જેથી મોરબી કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા આદેશ કરવામાં આવ્યો છે.
મોરબી શહેરના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલ કેસમાં આરોપીઓએ ફરીયાદી પાસેથી ઉંચા વ્યાજે નાણાં લઈ બમણી રકમ વસૂલ કરી હતી અને વધુ રકમ માટે પઠાણી ઉઘરાણી તથા ધમકી આપી હતી. ઉંચા વ્યાજ પર નાણાં લેતીદેતી અને પઠાણી ઉઘરાણીની ફરિયાદમાં પોલીસે પાંચ આરોપી પ્રદ્યયુમનસિંહ કિરીટસિંહ જાડેજા, વિજયભાઈ માધાભાઈ રાઠોડ, મનીષભાઈ બાલુભાઈ સુરાણી, રમણીકભાઈ ધરમશીભાઈ મનીપરા અને અલ્પેશભાઈ પ્રહલાદભાઈ પટેલની અટક કરવામાં આવી હતી. ત્યારે આરોપીઓ પક્ષે મોરબીના ધારાશાસ્ત્રી જે.આર.જાડેજા, એ.આર.વાળા, એફ.જે.ઓઝા, એ.એચ.દશાડીયા તથા સી.કે.નાનવાણી રોકાયેલ હોય ત્યારે આ કેસ મોરબી પ્રિન્સિપલ સીનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરીયાદપક્ષે રજૂ કરેલા પુરાવા અને સાક્ષીઓને આધારે અદાલતે માન્યું કે આરોપીઓએ બળજબરી કે ધમકાવવાની કોઈ ઘટનામાં બની ન હતી. આથી આ કેસમાં પુરાવાના અભાવે અને ફરીયાદપક્ષ તરફે મક્કમ દસ્તાવેજી પુરાવા ન હોવાને કારણે ભારતીય દંડ સંહિતાની કલમ તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ હેઠળના આરોપીઓને નિર્દોષ ઠરાવવાનો હુકમ કર્યો છે.