મોરબીમાં ખંડણીખોરી કેસમાં જેલમાંથી શરતી જામીન ઉપર છૂટેલા માથાભારે શખ્સ દ્વારા ફરિયાદી કાપડની દુકાનના વેપારી યુવકને અનેકો વાર મોબાઈલમાં ફોન કરી ગાળો આપી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં ગોકુળ-મથુરા સોસાયટી ગીતાંજલી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૪૦૨ માં રહેતા દેવકુમાર ચેતનભાઈ સોરીયા ઉવ.૨૧ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિશાલ ઉર્ફે વિશલો વેલાભાઈ રબારી રહે.શનાળા ગામ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આશરે ત્રણેક મહિના અગાઉ કાપડની દુકાન ધરાવતા યુવક સાથે મિત્રતા કેળવ્યા બાદ અપહરણ કરી ખંડણી ઉઘરાવી સમયાંતરે રોકડ, બુલેટ અને આઈફોન પડાવી લીધાના ચકચારી બનાવ બાબતે આરોપી વિશાલ રબારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. ત્યારે જે તે સમયે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. જે બાદ આરોપી વિશાલ રબારીને કોર્ટમાંથી શરતી જામીન ઉપર મુક્ત કર્યો હોય. ત્યારે જેલમાંથી છૂટ્યાને થોડા દિવસોમાં માથાભારે ઇસમે પોત પ્રકાશી દેવકુમારને વારંવાર ફોન કરી બેફામ અપશબ્દો આપી કરેલ ફરિયાદ પરત ખેંચી લેવા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, હાલ ભોગ બનનાર દેવકુમારે માથાભારે શખ્સ સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપી વિશાલ રબારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.