ડબલ સવારી બે બાઇકને ઠોકરે ચડાવી કાર ચાલક કાર મૂકી નાસી ગયો.
મોરબીના રાજપર શનાળા રોડ ઉપર એક ફોર વ્હીલ કારના ચાલકે પોતાની કાર પુરપાટ ગતિએ અને બેદરકારી રીતે ચલાવી આગળ જતાં બે બાઇકને વારા ફરથી હડફેટે લીધા હતા, જેમાં ડબલ સવારી બંને બાઇકમાં સવાર કુલ ચાર વ્યક્તિઓને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી, અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને નાસી ગયા બાદ સ્થળ ઉપરથી કાર લઈને જતો રહ્યો હોય. હાલ ઇજાગ્રસ્ત યુવકના પિતા દ્વારા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના થોરાળા ગામના રહેવાસી માવજીભાઈ કેશુભાઈ પરમાર ઉવ.૪૪ દ્વારા અકસ્માત સર્જનાર ફોરવ્હીલ કાર રજી. જીજે-૦૩-ડીએન-૬૬૧૩ ના ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ગઈ તા.૧૩/૦૧ના રોજ આરોપીએ પોતાના હવાલાવાળી ફોરવ્હિલ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી બે મોટર સાયકલને હડફેટે લીધા હતા જેમાં ફરિયાદીના દીકરા સાહેદ મહેશભાઈના મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એડી-૯૭૩૩ તથા બીજા મોટર સાયકલ ચાલક ચેતનભાઈના મોટર સાયકલ રજી.નં- જીજે-૩૬/એએચ-૧૫૪૩ ની સાથે ઉપરોક્ત કાર ચાલકે ટક્કર મારતા બંન્ને મોટર સાયકલ રોડ ઉપર પડી જતા માવજીભાઈના દીકરા મહેશભાઈને પગમાં ઢિંચણથી નીચે નળાના ભાગે ઇજા થવાથી ફેકચર તથા રજનિકાંતભાઈને ડાબા પગમાં પંજાના ભાગે ઈજા થતા ફેક્ચર થયું હતું. તથા બીજા મોટર સાયકલના ચાલક ચેતનભાઈને શરીરે સામાન્ય મુંઢ ઇજા થયેલ હતી તેમજ પાછળ સીટ ઉપર બેસેલ તેમના સગાભાઈ તીરથભાઈને ગરદનથી કમર સુધી કરોડરજ્જુના ભાગે મુંઢ ઈજા પહોંચી હતી. અકસ્માતના બનાવ બાદ કાર ચાલક આરોપી પોતાના કબ્જા વાળુ વાહન સ્થળ ઉપર ઉભુ રાખી બાદ પોતાનું વાહન લઈ જતો રહ્યો હોય, હાલ પોલીસે માવજીભાઈની ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવા તપાસ શરૂ કરી છે.