સરકારી આવાસની બાજુમાં બપોરના સમયે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક ઇજાગ્રસ્ત:પોલીસ ઘટના સ્થળે
ટંકારા નજીક હાઈવે ઉપર અજાણ્યા વાહને હડફેટે લેતા બાઇક સવાર બે યુવાનોના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હોય આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ-મોરબી હાઇવે ઉપર આજે ટંકારા નજીક બીજો અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે વિરપર નજીક વોલ્વો કારને અકસ્માત નડ્યા બાદ બપોરના અરસામાં એક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લીધું હતું. આ અકસ્માત ટંકારાની ભાગોળે સરકારી આવાસની બાજુમાં પેટ્રોલ પમ્પની સામેની બાજુએ સર્જાયો હતો.
આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બન્ને યુવાનો હોય અને મોરબીના લીલાપર રોડ બાજુના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ત્રણેય યુવાનો એક બાઇકમાં મોરબીથી લીલાપર આવી રહ્યા હતા. તે વેળાએ અકસ્માત સર્જાયો હતો.
બીજી તરફ એક યુવાન અફઝલ શાહમદાર ઇજાગ્રસ્ત થયો હોય તેને ટંકારા 108 એમ્બ્યુલન્સના ઈટીએમ રૂબિયાબેન ખુરેશી અને પાયલોટ યુવરાજભાઈએ તાત્કાલિક ધટના સ્થાને પહોચી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો છે. આ અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.