મોરબી શહેરના લીલાપર રોડ સ્થિત ન્યુ પ્રજાપત સોસાયટી ખાતે આવેલ રહેણાંક મકાનમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડવામાં આવતા, મકાનમાંથી વિદેશી દારૂની ૩૬૮ નંગ બોટલ કિ.રૂ. ૨,૦૬,૮૧૬/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો, આ સાથે આરોપી બે સગાભાઈ દરોડા દરમિયાન હાજર મળી ન આવતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી બંને આરોપીઓને પકડી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે લીલાપર રોડ ઉપર ન્યુ પ્રજાપત સોસાયટી સ્થિત મકાનમાં મોમભાઈ અને હીરાભાઈ વેચાણ અર્થે વિદેશી દારૂ ઉતારેલ છે. જે મુજબની બાતમીને આધારે ઉપરોક્ત મકાનમાં રેઇડ કરતા, મકાનમાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની ૩૬૮ બોટલ મળી આવી હતી, જ્યારે આરોપી મોમભાઈ પરબતભાઇ સાવધાર અને આરોપી હીરાભાઈ પરબતભાઇ સાવધાર રહે.મોરબી લીલાપર રોડ ન્યુ પ્રજાપત સોસાયટીવાળા હાજર મળી ન આવતા બંને આરોપીઓને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.