ટંકારાના હરીપર(ભુ) રહેતા અને મિતાણા નજીક પોલીપેકનું કારખાનું ધરાવતા વેપારી યુવક સાથે ફોન ઉપર મિત્રતા કેળવી મળવા બોલાવી સવારથી બપોર સુધી રાજકોટ ફરી પરત વાછકપર ગામના રસ્તે પાછળથી સ્વીફ્ટ કારમાં આવેલ પાંચ શખ્સો દ્વારા વેપારી અને તેના મિત્રનું અપહરણ કર્યું હતું, જે બાદ બેફામ માર મારી બળાત્કારના કેસમાં ફીટ કરવાની ધમકી આપી છ લાખ રૂપિયા પડાવ્યા હતા. હાલ ભોગ બનનાર વેપારી દ્વારા ટંકારાની એક મહિલા સહિત તેના પતિ, ભાઈ એમ કુલ પાંચ આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે, ટંકારા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, ટંકારા તાલુકાના હરીપર(ભુ) રહેતા અજિતભાઈ મુળુભાઈ ભાગીયા(પટેલ) ઉવ.૩૭ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી દિવ્યાબેન ઉર્ફે પુજા રમેશભાઈ જાદવ રહે.ટંકારા, રમેશભાઈ કાળુભાઈ જાદવ રહે.ટંકારા, સંજયભાઈ ભિખાલાલ પટેલ રહે.મોરબી, હાર્દીક કિશોરભાઈ મકવાણા રહે.મોરબી નાની વાવડી ખોડિયાર તથા રુત્વિક દિવ્યાબેન ઉર્ફે પુજાનો ભાઈ રહે.ટંકારા વિરુદ્ધ અપહરણ કરી, માર મારી, બળાત્કારના કેસમાં ફિટ કરવાની ધમકી આપી કાવતરું રચીને રૂપિયા પાંચ લાખની ખંડણી વસુલ કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
ટંકારા પોલીસ મથકમાં કારખાનેદાર વેપારી અજિતભાઈ દ્વારા પોતાની ફરિયાદમાં જણાવ્યા અનુસાર સપ્તાહ પહેલા તેના મોબાઈલમાં અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો, જેમાં ‘પાણીવાળા’ બોલો છો તેમ કહી વાત ચાલુ કરી હતી, જેથી અજિતભાઈએ રોંગ નંબર કહી ફોન કટ કરી નાખ્યા બાદ બીજે દિવસે પણ તે જ નંબર ઉપરથી અજિતભાઈને કોલ આવતા સામે છેડેથી મહિલા આરોપીએ કહ્યું મારુ નામ દિવ્યા ઉર્ફે પૂજા છે, મારા પતિ ટ્રક ડ્રાઇવર છે જેઓ વધારે સમય બહાર રહેતા હોય જેવી વાત કરી અજિતભાઈ સાથે મિત્રતા કેળવી હતી, ત્યારબાદ દરરોજ મોબાઈલમાં વાત ચાલુ કરી હતી, અને તા.૧૭/૦૧ના રોજ અજિતભાઈને મહિલા આરોપીએ રાજકોટ સિવિલ હોસ્પિટલના કામે જવાનું છે તેમ કહી મળવા બોલાવ્યા હતા, ત્યારે અજિતભાઈ અને તેમનો મિત્ર જયદીપભાઈ કુંવરજીભાઇ ચૌધરી તેની કાર રજી.નં. જીજે-૩૬-બી-૧૬૪૯ લઈને આરોપી પૂજબેનને મળવા ગયા ત્યારે આરોપીએ અગાઉથી જણાવ્યા અનુસાર ટંકારાના છત્તર ગામથી આરોપી પૂજાબેનને કારમાં સાથે બેસાડી રાજકોટ ગયા હતા.
જે બાદ છત્તરથી રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળોએ ફર્યા બાદ બપોરના સુમારે રાજકોટથી પરત આવવા નીકળ્યા હતા ત્યારે છત્તર પહેલા વાછકપર ગામ આવતા મહિલા આરોપીએ કહ્યું કે કોઈ કાર પીછો કરે છે તેમ જણાવી પોતાને અહીં ઉતારી દેવા વાત કરતા વાછકપર જવાના રસ્તે અજિતભાઈએ કાર ઉભી રાખી ત્યાંજ પાછળ આવતી સ્વિફ્ટ કાર રજી નં.જીજે-૩૬-એજે-૯૧૭૨ આવી ગયી જેમાંથી ઉપરોક્ત પાંચ જેટલા શખ્સો ઉતાર્યા અને અજિતભાઈ અને તેના મિત્ર જયદીપભાઈનું અપહરણ કરી આરોપીઓએ જુદી જુદી જ્ગ્યાએ લઈ જઈ ઢીકા પાટુનો માર માર્યો હતો અને બળાત્કારના કેસમા ફસાવી દેવાનુ કહી ડરાવી ધમકાવી ફરીયાદી તથા સાહેદ પાસેથી રૂપિયા ૬ લાખ બળજબરીથી કઢાવી લઈ ગુનાહીત કાવતરુ રચી એકબીજાની મદદગારી કરી હતી. હાલ ભોગ બનનાર અજિતભાઈની ફરિયાદને આધારે ટંકારા પોલીસે મહિલા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી તમામની અટકાયત કરવા તપાસની તજવીજ હાથ ધરી છે.