ટંકારા તાલુકાના હરીપર ગામના ઇસમ સાથે પાણીવાળા બોલો છો કહી રોંગ નંબર ના બહાના હેઠળ ફોન કરી ધીમે ધીમે સંબંધ વિકસાવી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધાકધમકી આપી અપહરણ કરી મારમારી રૂ.૫,૦૦,૦૦૦/- બળજબરીથી કઢાવી લેનાર ગેંગના મહિલા સહિતના ચાર આરોપીઓને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાના હરીપર ગામના ફરીયાદી અજીતભાઈ મુળજીભાઈ ભાગીયા ના મોબાઇલ ફોનમાં અગાઉ એક અજાણ્યા નંબર પરથી કોલ આવતા તે સ્ત્રી દેવુબેન ઉર્ફે પુજાબેનના સંપર્કમાં આવેલા અને તે પુજા સાથે પરીચય કેળવી ગત તા.૧૭/૦૧/૨૦૨૫ ના રોજ પુજાને કારમાં મળવા ગયેલા ત્યારે છતર ગામ નજીક એક સ્વીફટ કારમાં સંજય પટેલ, હાર્દીક મકવાણા, રૂત્વીક રાઠોડ તેમજ બીજા મળી કુલ પાંચ ઇસમો આવી ફરીયાદીનુ અપહરણ કરી, મારમારી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધાકધમકી આપી કુલ રૂ. ૫,૦૦,૦૦૦/- હનીટ્રેપ કરી પડાવી લીધેલ હોવાની ફરિયાદને આધારે ટંકારામાં ગુનો નોંધાયો હતો.જે ગુનાની તપાસ દરમ્યાન પોલીસને બાતમી મળી કે આ ગુનામાં ઉપયોગ થયેલ GJ-36-AJ-9172 નંબરની સ્વીફટ કારમાં આરોપીઓ ટંકારા ઓવર બ્રિજના છેડે નવા બનતા શ્રીરામ પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસેથી નીકળનાર છે. જે હકિકત આધારે ટંકારા પોલીસ સ્ટાફની ટીમે વોચ ગોઠવી સ્વીફટ કાર આવતા તેને રોકી કોર્ડન કરી સંજયભાઇ ભીખાભાઇ ડારા, હાર્દીકભાઇ કીશોરભાઇ મકવાણા, દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઇ જાદવ તથા રમેશભાઇ કાળુભાઇ જાદવને હનીટ્રેપ કરી પડાવેલ રૂપીયા-૫,૦૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૮,૨૫,૫૦૦/- સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ તપાસ દરમ્યાન રૂત્વીક દિનેશભાઇ રાઠોડ તથા રણછોડભાઇ ભીખાભાઇ કરોતરાનું નામ ખુલતા તે બન્નેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ ગેંગ પૈકીની મહિલા આરોપીએ ભોગ બનનાર વ્યક્તિ ને પાણી વાળા બોલો છો કહી રોંગ નંબરના બહાને ફોન કર્યો હતો અને વારંવાર આ રીતે કોલ કરવા લાગી અને ધીમે ધીમે સંબંધો વિકસાવી ટંકારા ના યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને લાખો રૂપિયા ખંખેરી લીધા હતા ત્યારે ભોગ બનનાર યુવકે આ મામલે તેના મિત્રને વાત કરતા તેઓએ ફરિયાદ નોંધાવવા માટે હિંમત આપતા અંતે ગેંગનો ભાંડો ફૂટ્યો હતો.