બેલા (રંગપર)ના માજી ઉપ સરપંચ પ્રવિણચંદ્ર એસ.આચાર્ય દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખી મોરબીના બેલા (રંગપર) ગામે સરકારી જમીનમાં થતી ખનિજ ચોરી બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ ખાણ ખનીજના અધિકારી ઓ સાથે વહીવટ થઈ ગયાની ફરિયાદ પણ કરવામાં આવી છે. તેમજ ગેર કાયદેસર ખનન બંધ કરવામાં નહિ આવે તો હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે…
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા તાલુકાના બેલા (રંગપર) ગામે સરકારી જમીનમાં મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે. જેને લઇને ગામના માજી ઉપસરપંચ દ્વારા કલેકટરને પત્ર લખી ખનિજ ચોરી થઈ રહી છે તેવી ફરિયાદ કરાઈ છે. ખાખરા-બેલા રીટ જી.ઈ.બી.ની બાજુમાં ખનીજ ચોરો ધ્વારા રાત્રીના ૧૧:૦૦ થી વહેલી સવારે ૪:૦૦ વાગ્યા સુધી બેફામ ખનીજ ચોરી કરાય છે. જેમાં બે હીટાચી, ૨૦ ટ્રક દ્વારા ચાલી રહી છે, હાલ જે જગ્યાએ ખનીજ ચોરી થાય છે તે જગ્યા અગાઉ ખનીજ ખાતાના અધિકારી ધ્વારા તે જગ્યા ઉપર તા. ૩૦/૧૧/૨૦૨૪ નાં રોજ ખનીજ ચોરી અંગે રેડ કરેલ હતી અને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. પરંતુ ફરી પાછી તે જગ્યા ઉપર ખનીજ ચોરી ચાલુ કરી દેવામાં આવી છે. તેમજ ખનીજચોરો દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રીને પાંચ રૂપિયાનો તેમજ ખાણ ખનીજ વિભાગ મોરબીને અને અન્ય લાગતાં વળગતા સાથે ૨૦ થી ૩૦ લાખ રૂપિયાનો વહીવટ કરવામાં આવે છે. તેમ ગામમાં ચર્ચા પણ ચાલી રહી છે. ત્યારે જે જગ્યાએ રેઇડ કરવામાં આવી તે જગ્યાએ ફરી ખનિજ ચોરી થતી હોય એટલે સ્વાભાવિક છે કે વહીવટ થઈ ગયો છે. તેમજ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ પણ ફોન ઉપાડતાં નથી જેથી વહેલી તકે ખનિજ ચોરી બંધ કરાવવા રજૂઆત કરાઈ છે. તેમજ ખનિજ ચોરી બંધ કરાવવામાં નહિ આવે તો હાઇકોર્ટ માં જઈ પિટિશન દાખલ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે..