માળીયા(મી)ના નવલખી પોર્ટ ઉપર ટ્રક-ટ્રેઇલરના ચાલકે પોતાનો ટ્રક આગળ પાછળ જોયા વગર એકદમ પુરઝડપે રિવર્સ લેતા પાછળ ઉભેલ કર્મચારી સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો, જેમાં ટ્રકનું તોતિંગ વ્હીલ આધેડ ઉપર ફરી વળતા તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક-ટ્રેઇલર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો, ત્યારે અકસ્માતના બનાવ અંગે મૃતકના નાનાભાઈ દ્વારા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા(મી)પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
માળીયા(મી) તાલુકામાં આવેલ નવલખી પોર્ટ ઉપર પ્લોટ નં ૧૭/બી ઉપર કોલસાનું લોડિંગ કરવા આવેલ ટ્રક-ટ્રેઇલર રજી.નં. આરજે-૦૬-જીસી-૦૯૨૫ના ચાલકે પોતાનો ટ્રક ગફલતભરી રીતે પુરપાટ ઝડપે એકદમ રિવર્સ લીધો હતો, ત્યારે ટ્રક પાછળ ઉભેલ ખાનગી કંપનીના પ્લોટ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા રાજેશભાઇ ઘોઘાભાઈ દેગામા ઉવ.૪૭ રહે.મોરબી રણછોડનગર શેરી નં.૨ વાળાને હડફેટે લેતા રાજેશભાઇ નીચે પડી ગયા હતા ત્યારે ટ્રક-ટ્રેઇલરનો ટાયરનો જોટ્ટો તેમના શરીર ઉઓર ફરી વળતા રાજેશભાઈનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માતની ઘટના બાદ આરોપી ટ્રક-ટ્રેઇલર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો, ત્યારે સમગ્ર અકસ્માત અંગે મૃતકના નાનાભાઈ મહેશભાઈ ઘોઘાભાઈ દેગામા દ્વારા ટ્રક-ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માળીયા(મી) પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.