હળવદના મિયાણી ગામે વીજ ચેકીંગ દરમિયાન વીજ કર્મીઓ અને એસઆરપી જવાન સાથે સ્થાનિક લોકોએ ઘર્ષણ કર્યું હતું. જે મામલામાં હળવદ પોલીસ સ્ટેશન ખાતે ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના મિયાણી ગામે વીજ ચેકીંગ દરમિયાન વીજ કર્મીઓ અને એસઆરપી જવાન સાથે સ્થાનિક લોકોએ ઘર્ષણ કર્યું હતું. જે મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરાતાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પોલીસ મથકે નિલેષભાઈ જાદવભાઈ ખેતરપાલ રહે. ખંભાળીયા વાળા વીજ કર્મચારીએ પ્રકાશ રણછોડભાઈ રંભાણી, ચતુર માંડણભાઈ રંભાણી અને એક અજાણ્યો પુરૂષ અને એક અજાણી મહિલા સામે ફરિયાદમાં દાખલ કરતાં જણાવ્યું છે કે આજે આશરે સાતેક વાગ્યાના અરસામાં તેઓ સરકારી કામ માટે વીજ ચેકીગમાં ગયા હતા. જ્યાં આરોપીના ઘરે વીજળીની ગેરરીતી જણાતા ઘર માલિક અને અન્ય આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી ઘરમાંથી બહાર નીકળી જા નહિતર મજા નહિ આવે તેમ ધમકી આપી હતી. તેમજ વધુમાં શેરીમાં વીજ ચેકીંગ બાબતે એક અજાણ્યા વ્યક્તિએ હાથમાં ધોકો લઈ આવ્યો હતો તથા એક અજાણી મહિલાએ બોલાચાલી કરી હતી જે ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.