વીમા કંપનીએ ગ્રાહકને કાર નુક્સાનીના ૪.૮૬ લાખ ૬% વ્યાજ સાથે ચૂકવવા આદેશ
મોરબી ગ્રાહક અદાલતના વધુ એક ગ્રાહક તરફી ચુકાદામાં ઈન્સ્યુરન્સ કંપનીને અકસ્માતે થયેલ કાર નુક્સાનીના ૪.૮૬ લાખ ૬% વ્યાજ સાથે ખર્ચની ચુકવણી કરવા આદેશ કરવામાં આવ્યો છે, જેમાં રોડ ઉપર પડેલ પથ્થર સાથે કાર અથડાતા કારની ઓઇલ ચેમ્બર અને ગિયર બોક્સમાં થયેલ નુકસાન તે ક્લેઇમ સાથે સુસંગતતા ન હોવાનું બહાનુ આપી ક્લેઇમ નકારવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વતની ધવલકુમાર મનસુખભાઈ હદવાણી પોતાની મોટર કાર લઈ સુલતાનપર રોડ ઉપર રાત્રે જતા હતા ત્યારે રોડ પર આગળ પથ્થર પડેલ જેની સાથે ગાડી અથડાતા કારમાંથી ઓઈલ બહાર નીકળેલ અને ગીયર બોકસ ચેમ્બરને નુકશાન થયેલ. જેના ખર્ચના રૂ.૫,૦૫,૯૦૧/- નું નુકશાન થયેલ જે માટેનો ક્લેઇમ રોયલ સુંદરમ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીમાં તમામ આધાર પુરાવા તથા દસ્તાવેજી કાગળો સાથે મુકવામાં આવ્યા હતા, ત્યારે રોયલ સુંદરમ વિમા કંપનીએ એવુ બહાનુ બતાવેલ કે કારને થયેલ નુકશાન તેમજ ગીયર બોકસને થયેલ નુકશાન તે કલેઈમ સાથે સુસંગત નથી અને થયેલ અકસ્માત અને થયેલ નુકશાન વચ્ચે કોઈ સબંધ નથી માટે ગ્રાહકને વિમો મળે નહી. જે બાદ ધવલભાઈ હદવાણીએ લાલજીભાઈ મહેતા, પ્રમુખ ગ્રાહક સુરક્ષા મંડળ મારફત મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી.
મોરબી ગ્રાહક અદાલતમાં આ કેસ ચાલી જતા અદાલત દ્વારા ચુકાદો આપતા કહેલ કે ગ્રાહકે તમામ આધાર પુરાવા રજુ કરેલ છે તેમજ તેણે વિમો ભરેલ છે આથી વિમા કંપની વિમો આપવા બંધાયેલ છે. આથી રોયલ સુંદરમ જનરલ ઈન્સ્યુરન્સ વિમા કંપનીએ ગ્રાહકને રૂપીયા ૪,૮૬,૦૧૬/- અને રૂા. ૫૦૦૦/- અન્ય ખર્ચના મળી કુલ રૂપીયા ૪,૯૧,૦૧૬/- તા. ૧૨ જાન્યુઆરી,૨૦૨૪ થી ૬% ના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.