હળવદના વેગડવાવ ગામ નજીક રોડની સાઈડમાં મોટર સાયકલ લઈને ઉભેલ વૃદ્ધને સામેથી બેફામ સ્પીડે આવતી કારે હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં પડી ગયેલા વૃદ્ધને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી હતી, ત્યારે વૃદ્ધ ચાલકને હળવદ, મોરબી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, હાલ વૃદ્ધ દ્વાએ હળવદ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા ૬૫ વર્ષીય અબ્બાસભાઈ હસનભાઈ માણેકીયા નામના ખેડૂત ગઈ તા.૨૪/૦૧ ના રોજ કંકાવટી થી હળવદ પોતાના મોટર સાયકલ રજી.નં. જીજે-૧૩-આરઆર-૨૨૩૩ લઈને જતા હોય ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ નજીક રહેમાનચાંદ લોલાડીયાની રોડની સાઈડમાં આવેલ વાડીએ વાવેતર જોવા ઉભા હોય ત્યારે સામેથી ફૂલ સ્પીડમાં આવતી આઈ-૧૦ કાર રજી.નં. જીજે-૩૬-એસી-૮૬૩૪ એ અબ્બાસભાઈને મોટર સાયકલ સહિત હડફેટે લેતા અબ્બાસભાઈ રોડ ઉપર પડી જતા તેઓને માથામાં ગંભીર ઇજા પહોચતા તેઓને બેભાન અવસ્થામાં પ્રથમ હળવદ, મોરબી ત્યાંથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા જ્યાં અબ્બાસભાઈને માથામાં હેમરેજ અને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓની સારવાર લીધી હતી, હાલ અબ્બાસભાઈએ હળવદ પોલીસ મથકમાં ઉપરોક્ત આઈ-૧૦ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.