ભાજપ શાસકોની ગેરરીતિઓ સામે જીલ્લા કોંગ્રેસ પ્રમુખની લેખિત રજુઆત.
મોરબી નગરપાલિકામાં ભૂતકાળના ભાજપ શાસકો દ્વારા કલમ ૪૫(ડી) હેઠળ ગેરકાયદેસર વિકાસ કામો કરાવાયા હોવાના આક્ષેપો સામે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મોરબી મહાપાલિકા મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજુઆત કરી છે. રજુઆતમાં આ કામોની નાણાંકીય રિકવરીની માંગ કરી છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોર્ટ સુધી લડત અપાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
મોરબી મહાપાલિકા મ્યુનિસિપલ કમિશ્નરને મોરબી નગ૨પાલીકાના ભાજપના શાસકો દ્વારા ખોટી રીતે કલમ ૪૫(ડી) હેઠળ કરવામાં આવેલ કામોની નાણાંકીય રિકવરી કરવા અંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા લેખિત રજુઆત કરી છે., જે રજુઆતમાં જણાવ્યા અનુસાર ભૂતકાળમાં નગરપાલીકામાં ભાજપનું શાસન હતું ત્યારે બાવને બાવન સભ્યો ભાજપના હતા. તેમ છતાં પણ જે કામ જનરલ બોર્ડની બેઠકમાં ઠરાવ કર્યા બાદ કરાવવાના હોય તેવા રોડ-રસ્તા, પેવર બ્લોક, ઓફીસ અને ઘરના રિનોવેશનના કામ આપાતકાલીન ગણીને આ કામ કલમ ૪૫(ડી) હેઠળ લઈને કરવામાં આવ્યા છે. જે ખરેખર આ કલમ હેઠળ કરાવી ન શકાય અને તેની માહિતી માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ માંગવામાં આવી ત્યારે નગરપાલીકા કચેરી તરફથી જે માહિતી મળેલ છે તેમાં દર્શાવેલ કામોમાંથી મોટાભાગના કામ કલમ ૪૫(ડી) હેઠળ કરાવી શકાય નહી તેમ છતાં પણ આવા કામ જે તે સમયની ભાજપની બોડીના સતાધીશો અને અધિકારી દ્વારા કરાવવામાં આવ્યા છે.
નગરપાલીકા દ્વારા કલમ ૪૫(ડી) હેઠળ ન આવરી શકાય તેવા કામને માત્ર કરાવવામાં આવ્યા છે. પરંતુ તેના બીલ પણ તાબડતોડ પાલીકાના સ્વભંડોળમાંથી ચુંકવી આપવામાં આવ્યા છે. જેથી નિતિનિયમોનો ઉલાળીયો કરીને કલમ ૪૫(ડી) હેડળ જે કામ ભાજપની બોડી દ્વારા કરાવવામાં આવ્યા છે તેની સંપૂર્ણ રીતે નાણાંકીય રિકવરી કરવા માટે થઈને કોઈને કોઈ નકકર કામગીરી નહી કરવામાં આવે તો આગામી સમયમાં આ મુદ્દે સ્થાનિક કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી જવા માટેની તૈયારીઓ કરવામાં આવશે. સામાન્ય રીતે મોરબી નગરપાલીકા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ વિકાસના કામ કરવાના હોય તો તેના માટે નગરપાલીકાના જનરલ બોર્ડની અંદર ઠરાવ થાય અને તે ઠરાવની અમલીકરણના ભાગરૂપે જે તે વિસ્તારની અંદર રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ, પેવર બ્લોક, વરસાદી પાણીનો નિકાલ, ભુગર્ભ ગટર વગેરે જેવા કામ કરાવવાના થતા હોય છે. પરંતુ આવા કામ જન૨લ બોર્ડનો ઠરાવ નહી પરંતુ કલમ ૪૫ (ડી) હેઠળ કરવામાં આવ્યા છે. જે પ્રજાના પૈસાનો ગેરવહીવટ કહેવાય તેમ છે. આટલું જ નહી પરંતુ મોરબી નગરપાલીકાના જે તે સમયના ચીફ ઓફીસરના બંગલાનું રિનોવેશન તથા તેની ઓફીસના રિનોવેશના લાખો રૂપિયાના બીલ કલમ ૪પ(ડી) હેઠળ મંજુર કરવામાં આવ્યા છે.
જેથી ઉપરોકત રજુઆતને ધ્યાને લઈ મોરબી નગરપાલીકાના ભાજપના શાસકો દ્વારા ખોટી રીતે કલમ ૪૫(ડી) હેઠળ કરવામાં આવેલ કામોની નાણાંકીય રિકવરી કરવા યોગ્ય તપાસ હાથ ધરી, ઘટીત કાર્યવાહી કરવા વિનંતી સાથે લેખિત રજુઆત કરવામાં આવી છે.