હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે આવેલ પૌરાણિક ગૌરવપૂર્ણ આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રી કેશવેશ્વર મહાદેવ મંદિરનું ઝીર્ણોદ્ધાર કરવામાં આવશે. જે માટે “હર હર મહાદેવ, હર ઘર મહાદેવ”ના નાદ સાથે શ્રી કેશવેશ્વર મહાદેવ મંદિરનાં ઝીર્ણોદ્ધાર માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની એકતા, સંપ અને સૌના તન, મન અને ધનના સહકારથી તેમજ હર હર મહાદેવ, હર ઘર મહાદેવ અને આપણું મંદિર, આપણું ગામ, આપણું ગૌરવ એવા સદ્દભાવથી ગામમાં તળાવની પાળ પર આવેલ પૌરાણિક ગૌરવપૂર્ણ આસ્થાનાં કેન્દ્ર સમાન જગ્યા શ્રી કેશવેશ્વર મહાદેવ મંદિરનો ઝીર્ણોદ્ધાર કરી ભવ્યાતિ ભવ્ય નવીન નજરાણું સમાન મનમોહક અને અલૌકિક નૂતન મંદિર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નૂતન મંદિર નિર્માણનું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આજ રોજ ગામમાં શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને ગામના ભૌતિક વિકાસમાં હંમેશા આર્થિક સહયોગના ભામાશા એવા સ્વ. મોહનભાઇ દેવશીભાઇ અઘારા (સરકાર) પરિવારના વરદ્દ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગને જુના દેવળીયા ગામના બહારગામ વસતા અને ગામના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહી દિપાવ્યો હતો અને સૌએ ધન્યતાની લાગણી અનુભવી હતી.