લગ્ન પ્રસંગે આવેલ રાજકોટનો પરિવાર શોકમાં ગરકાવ
હળવદના માનસર ગામ નજીક અકસ્માતની ઘટનામાં રાજકોટથી હળવદ લગ્ન પ્રસંગમાં આવેલ પરિવાર પરત રાજકોટ જતો હોય ત્યારે પુરપાટ ગતિએ આવતા મોટર સાયકલની ઠોકરે રીક્ષા પલ્ટી ગયી હતી ત્યારે રીક્ષામાં સવાર તમામને નાના-મોટી ઇજાઓ થઈ હતી જેમાં ૧૩ વર્ષીય કિશોરને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા જેને પ્રથમ હળવદ,મોરબી બાદ રાજકોટ સારવાર અર્થે લઈ જતા ચાલુ સારવારમાં તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે હળવદ પોલીસ મથકમાં આરોપી બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના રૈયાધાર ઇન્દીરાનગરના શેરી નં. ૧૦ માં રહેતા મહેશભાઈ મગનભાઈ જાદવ ઉવ.૪૦ એ હળવદ પોલીસ મથકમાં મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએન-૪૫૦૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર ગઈ તા.૩૧/૦૧ના રોજ મહેશભાઈ તથા તેમના ભાઈ નરેશભાઈ સહિતનો પરિવાર હળવદ લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત રીક્ષા રજી નં.જીજે-૦૩-યુબી-૩૩૪૨ લઈને રાજકોટ જતા હોય ત્યારે હળવદ તાલુકાના માનસર ગામ નજીક પહોંચ્યા ત્યારે માનસર ગામ તરફથી પુરપાટ ઝડપે આવતું મોટર સાયકલ રીક્ષાની સાઈડમાં અથડાયું હતું, ત્યારે ચાલુ રીક્ષામાં અચાનક સાઈડમાંથી જોરદાર ટક્કર લાગતા રીક્ષા પલ્ટી મારી ગયી હતી.
અકસ્માતની ઘટનાને લઈને આજુબાજુથી એકઠા થયેલા લોકોએ પલ્ટી ગયેલ રીક્ષામાંથી મહેશભાઈ સહિતના પરિવારના સભ્યોને બહાર કાઢ્યા ત્યારે મહેશભાઈના ભાઈ નરેશભાઇના દીકરા કરણને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોય જેથી તેને પ્રથમ હળવદ બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હોય જ્યાં બે દિવસની ટૂંકી સારવારમાં ૧૩ વર્ષીય કરણનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મહેશભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.