મોરબીમાં થોડા દિવસો પહેલા ‘સેવા એ જ સંપત્તિ’ નામની અજય લોરીયાની ઓફીસમાં બે ઈસમો દ્વારા કર્મચારીઓને ગાળો આપી તોડફોડ કરી આતંક મચાવનાર ઈસમ દ્વારા ફેસબૂક ઉપર રીલ્સ મૂકી ધંધાના રૂપિયા લેવાના હોય તે બાબતે તોડફોડ કરી હોય તેવી રીલ્સ વાયરલ કરી હતી. જે રીલ્સમાં વેપારી યુવકે કોમેન્ટ કરતા જે કોમેન્ટ ડીલીટ કરવા બાબતે રીલ્સ મુકનારના ભાઈ દ્વારા યુવકને ફોન ઉપર તેમજ રૂબરૂ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જે આધારે પોલીસે આરોપી વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
જાણવા મળતી વિગતો અનુસાર મોરબી-૨ ઉમા ટાઉનશીપ આલ્ફા બી ચોથા માળે ફ્લેટ નં.૪૦૨માં રહેતા અને ટાઈલ્સ ટ્રેડિંગનો વ્યવસાય કરતા કુલદિપભાઈ હરીભાઈ લોરીયાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન આરોપી યોગેશ તુલસીભાઈ કાસુંદ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ અનુસાર, ૪ ફેબ્રુઆરીના રોજ ફરિયાદી કુલદીપભાઈ લોરીયા પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી રીલ્સ જોઈ રહ્યા હતા.આ દરમિયાન, ખાનપર ધુનડાના રહેવાસી જયેશ તુલસીભાઈ કાસુન્દ્રા (ફેસબુક આઈ.ડી. “J T Kasundra”) દ્વારા અપલોડ કરાયેલી રીલ્સ જોવા મળતા, ફરીયાદી કુલદિપભાઈએ તેના પર કોમેન્ટ કરી હતી. આ રીલ્સમાં, જયેશ કાસુન્દ્રા, ફરીયાદીના કૌટુંબીક ભાઈ અજયભાઈ લોરીયાની ધંધાકીય હિસાબની બાબતે વાત કરી રહ્યા હતા. આ રીલ્સ પર ફરીયાદી કુલદીપભાઈએ “તારે હિસાબ આપવો હોય તો પેલા મોરબી આવવું પડશે” એવી કોમેન્ટ કરી હતી.
ત્યારે આ કોમેન્ટનો ખાર રાખી, જયેશ કાસુન્દ્રાના ભાઈ આરોપી યોગેશ તુલસીભાઈ કાસુન્દ્રાએ જવાબમાં ફરીયાદી અને તેમના કૌંટુંબીક ભાઈ અંગે અશ્લીલ ગાળો લખી હતી, ત્યારબાદ આરોપી યોગેશભાઈ કાસુન્દ્રાએ પોતાના મોબાઈલ નંબર ઉપરથી ફરીયાદીને ફોન કરીને તેમની કોમેન્ટ કાઢી નાખવા માટે દબાણ કર્યું અને પતાવી દેવાની ગર્ભિત ધમકી આપી હતી, આ ઘટના બાદ, જ્યારે ફરીયાદી કુલદીપભાઈ મોરબી મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં કામકાજથી ગયા હોય ત્યારે આરોપી યોગેશભાઈ કાસુન્દ્રાએ રૂબરૂ મળીને તેમને ગાળો આપી ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આરોપી દ્વારા આપવામાં આવેલ ધમકીથી ડરી જઈ ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ તથા આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.