વાંકાનેર તાલુકા પોલીસે એક મહિલા સહિત ૬ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો.
વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે યુવતી સાથે પ્રેમસંબંધ હોય જે બાબતનો ખાર રાખી યુવતીના પરિવારજનો દ્વારા યુવકને મોટર સાયકલ સહિત આંતરી ઢીકાપાટુ તેમજ ધારીયા અને લોખંડના પાઇપ વડે માર મારી ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે સમગ્ર બનાવ મામલે ઇજાગ્રસ્ત યુવક દ્વારા એક મહિલા સહિત ૬ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે રહેતા પ્રભુભાઇ જોધાભાઇ મેર ઉવ.૨૬ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિજયભાઇ ધુડાભાઇ ડાભી, મધુબેન રમેશભાઇ ડાભી, ભરતભાઇ ધુડાભાઇ ડાભી, હરેશભાઇ હેમંતભાઇ ડાભી, ગુંણવતભાઇ હેમંતભાઇ ડાભી તથા ચતુરભાઇ રમેશભાઇ ડાભી તમામ રહે.રાતડીયા ગામવાળા સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી પ્રભુભાઈને આરોપીની દિકરી સાથે અગાઉ પ્રેમ સંબધ હોય જે બાબતનો ખાર રાખી ગઈ તા.૦૫/૦૨ના રોજ પ્રભુભાઈ પોતાનુ મોટર સાયકલ લઇને ઘરે પરત આવતા હોય ત્યારે રાતડીયા ગામના વોકળા પાસે આરોપી વિજયભાઈ અને આરોપી મધુબેન મોટર સાયકલ ઉપર આવીને ફરીયાદી સાથે ગાળાગાળી તેમજ ઢીકાપાટુનો માર મારી ધારીયા વતી એક ધા ઉંધો પગના નળાના ભાગે માર્યો હતો અને પોતાનુ મોટર સાયકલ લઇ જતા રહેલ, જે બાદ અન્ય આરોપીઓ બે મોટરસાયકલ ઉપર સાવસર થઈને આવી ફરિયાદીને લોખંડના પાઇપ તથા લાકડીઓ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી. ત્યારે ભોગ બનનાર યુવકને બંને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી, હાલ પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની અટક કરવા તજવીજ હાથ ધરી છે.