અપહરણ અને વારંવાર દુષ્કર્મ ગુજારનારને કડક સજા, પીડિતાને ૪.૨૫લાખનું વળતર ચૂકવણીનો પણ આદેશ.
મોરબી ગ્રામ્ય પંથકમાંથી ૧૫ વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને મોરબી સ્પેશિયલ પોક્સો અદાલતે ૨૦ વર્ષની કેદ અને ૨૫ હજારના દંડની સજા ફટકારી છે. ઉપરાંત, ભોગ બનનાર સગીરાને ૪ લાખનું વળતર તેમજ આરોપી ભરેલ દંડની રકમ મળી કુલ ૪.૨૫ લાખની સહાય ચૂકવવા આદેશ કર્યો છે.
મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ ૨૦૧૯માં એક ગંભીર ગુનો સામે આવ્યો હતો, જેમાં સીરામિક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરીનું લગ્નના લાલચમાં અપહરણ કરાયું હતું. આ ઘટનામાં, આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો કાળુભાઇ ગોગીયા ઉવ.૨૧, રહે.જાલીડા ગામ તા.વાંકાનેરવાળો ભોગ બનનાર સગીરાના પડોશમાં ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતો હતો સમગ્ર બનાવ મામલે સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી અને થોડા સમય બાદ તેને પકડી નામદાર કોર્ટ હવાલે કર્યો હતો.
ઉપરોક્ત ગંભીર ગુના અંગેનો કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતા, જ્યાં સરકારી વકીલ નિરજ કારીયાની દલીલો અને પુરાવાઓના આધારે અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો હતો. અદાલતે આરોપીને પોક્સો કાયદા હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૨૫ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી. સાથે જ, પીડિત સગીરાને રાજ્ય સરકારના કાયદા હેઠળ વળતર માટે ૪ લાખ રૂપિયાની સહાય તેમજ આરોપી પાસેથી વસૂલ કરેલ દંડની રકમ એમ કુલ ૪.૨૫ લાખ પીડિતાને ચૂકવવાનો હુકમ કરતો ચુકાદો આપવામાં આવ્યો છે.