મૈત્રી સંબંધનું મનદુખ રાખી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી, જાહેરમાં જાતિપ્રત્યે અપમાનિત કર્યાનો આક્ષેપ
મોરબી શહેરમાં એક યુવાનને મહિલા સાથે મિત્રતા અંગે મનદુખ રાખી ત્રણ શખ્સોએ તેને બળાત્કારના ગુન્હામાં ફસાવવાની ધમકી આપી અને ૧૫ લાખ રૂપિયાની ઉઘરાણી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બીજીબાજુ આરોપીઓએ યુવાનને જાહેરમાં જાતિપ્રત્યે અપમાનિત કર્યો હોય, હાલ યુવક દ્વારા આરોપી રાજકોટની મહિલા તેમજ જૂનાગઢના એક યુવક સહિત ત્રણ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ભડીયાદ રોડ, જંગલેશ્વર મંદિર પાસે રહેતા અને વેપાર કરતા જયદીપભાઈ જેરામભાઈ ડાભી ઉવ.૩૨ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી (૧)મેહુલ (૨)એક મહિલા(રહે. રાજકોટ), (૩)દિપકભાઇ વદર રહે.કુતીયાણા જુનાગઢવાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી છે. ફરીયાદ મુજબ, આરોપી મહિલા સાથે ફરીયાદીને અગાઉ મૈત્રી સંબંધ હતો. આ સંબંધનું મનદુખ રાખી, આજથી દોઢેક માસ પહેલા તથા વીસેક દિવસ પહેલા મોરબીના સુપર માર્કેટ સ્થિત લાતી પ્લોટ પોલીસ ચોકી સામે આરોપી પત્રકાર મેહુલભાઈ ગઢવી અને આરોપી દિપકભાઈ વદર સાથે મળીને, આરોપીઓએ ફરીયાદીને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ ફરીયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને ૧૫ લાખ રૂપિયાની ઉઘરાણી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો ફરીયાદી પૈસા ન આપે, તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. આ ઉપરાંત, આરોપીઓએ ફરીયાદીને જાહેરમાં જાતિપ્રત્યે અપમાનિત કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી, હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.