મોરબીમાં પિયર ધરાવતી રીસામણે રહેલ બહેનના પતિ-જેઠ દ્વારા ફોન ઉપર ભાઈને બેફામ અપશબ્દો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ભોગ બનનાર દ્વારા બનેવી તથા તેના ભાઈ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી-૨ મહેન્દ્રનગર આઈટીઆઈ પાછળ રહેતા ભરતભાઇ રાજસીભાઈ માલદેવ ઉવ.૩૬ એ આરોપી રાણાભાઈ લાભુભાઈ ચારણ અને ભગીરથભાઈ લાભુભાઈ ચારણ રહે.મધ્યપ્રદેશ દેવનલીયા ગામવાળા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી કે ભરતભાઇના લગ્ન આજથી સોળ વર્ષ અગાઉ આરોપી રાણાભાઈ ચારણ રહે.મધ્યપ્રદેશ વાળા સાથે થયા હતા જ્યારે પાંચેક વર્ષ અગાઉ આરોપી રાણાભાઈ સાથે ભરતભાઈની બહેન દેવલબેનના લગ્ન કર્યા હતા. ત્યારે બહેનના શરૂઆતના સુખી લગ્નજીવનમાં તેઓને ત્રણ દીકરીઓ હતી ત્યારે બાદ આરોપી રાણાભાઈ સહિતના સાસરીવાળા દેવલબેનને એનકેન પ્રકારે હેરાન કરતા તેમજ મારઝુડ કરતા જેથી દેવલબેન પોતાના પિયર ભરતભાઇ પાસે ત્રણેય સંતાનને લઈને આવતા રહ્યા હતા, ત્યારે ગઈ તા.૨૯ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ભરતભાઇની પત્ની ફોન ઉપર તેના ભાઈ અને ભરતભાઇના બનેવી આરોપી રાણાભાઈ સાથે વાત કરી રહી હોય તે દરમિયાન ભરતભાઇ સાથે વાત કરવાનું કહી તેના બનેવી આરોપી રાણાભાઈ અને આરોપી ભગીરથભાઈએ એમ બંનેએ ફોન ઉપર ભરતભાઈને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર બનાવ બાદ ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.