છરી, લાકડી તથા ઢીકાપાટુનો માર મારતા પરિવારના ચાર સભ્યો ઘાયલ.
હળવદના ટીકર(રણ) ગામે શેરીમાં પાણીની પાઇપ લાઇન ખોદી હોય જ્યાંથી મોટર સાયકલ લઈને ચાલવાની ના પાડતા થયેલ બોલાચાલી બાબતે સમજાવવા જતા એક જ પરિવારના ચાર સભ્યો ઉપર ગામના ચાર વ્યક્તિ દ્વારા ઘાતક હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હુમલામાં ઘાયલ તમામને લોહી-લુહાણ હાલતમાં પ્રથમ હળવદ બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. બનાવ બાદ ઇજાગ્રસ્ત પરિવાર દ્વારા ટીકર ગામના જ ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર હળવદના ટીકર રણ ગામના રહેવાસી અકબરભાઈ ઉર્ફે હકાભાઈ હાસમભાઈ ભટ્ટી ઉવ.૫૩ એ હળવદ પોલીસ મથકમાં આરોપી લાલમામદભાઇ કાસમભાઇ રાજા, રસુલભાઇ કાસમભાઇ રાજા, રમજાનભાઇ દાદમહમદભાઇ તથા મુસ્તાકભાઇ લાલમામદભાઇ રાજા રહે. તમામ ટીકર(રણ) ગામવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૦૯/૨ના રોજ ફરીયાદી ના ઘર પાસે પાણીની લાઇન ખોદેલ હોય ત્યાથી આરોપી લાલમામદભાઇના દિકરા મોટર સાયકલ લઇને નીકળતા ફરિયાદીના પત્ની રૂકશાનાબેને તેઓને અહિયાથી મોટર સાયકલ નહીં ચલાવવાનુ કહેતા આરોપીઓને સારૂ નહીં લાગતા રૂકશાનાબેન સાથે બોલાચાલી કરેલ હોય જે બાબતે આ ફરીયાદી અકબરભાઈ તથા તેના ભાઇ જુસબભાઇ તથા હબીબભાઇ તથા ફરીયાદીના દિકરા રમજાનભાઇ તથા શબીરભાઇનાઓ આ કામના આરોપીઓને સમજાવવા જતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી અકબરભાઈ સહિત તેમના ભાઈ તથા દીકરાઓ ઉપર ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં અકબરભાઈના બંને દિકરાઓને છરીના એક એક ઘા મારી તેમજ લાકડીઓથી આડેધડ તથા ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. જેમાં ફરિયાદી અકબરભાઈ સહિત તમામને માથામા તથા શરીરે ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી, હાલ હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તમામ આરોપીઓની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.