Wednesday, February 12, 2025
HomeGujaratવાંકાનેર: જામસર ચોકડી નજીક હિટ એન્ડ રનના બનાવમાં ડમ્પરે બાઇકને હડફેટે લેતા...

વાંકાનેર: જામસર ચોકડી નજીક હિટ એન્ડ રનના બનાવમાં ડમ્પરે બાઇકને હડફેટે લેતા ૬ વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ

અનેકો વખત રજુઆત કરવા છતાં માતેલા સાંઢ જેમ ચાલતા ડમ્પરો સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના માટેલ ગામથી જામસર ચોકડી નજીક હિટ એન્ડ રનના અકસ્માતમાં પરિવારનો માળો વિખાયો હતો, જેમાં મોટરસાયકલમાં પતિ-પત્ની અને બે બાળકો ઢુંવા ચોકડીથી પોતાનું કામ પૂરું કરી પરત પોતાના ગામ જતા હોય ત્યારે જામસર ચોકડી નજીક માતેલા સાંઢની જેમ ચલાવી આવતા ડમ્પરે પાછળથી મોટરસાયકલને હડફેટે લેતા માતા-પિતા અને દીકરો-દીકરી એમ ચારેય મોટર સાયકલ સાથે નીચે પડી ગયા હતા, જેમાં ૦૬ વર્ષના દીકરાનું માથામાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું હોય જ્યારે ૧૩ વર્ષીય દીકરીને હાથમાં, માતાને કમર તથા પેડુમાં ગંભીર ઇજાઓ પહોચતા રાજકોટ તથા અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે, જ્યારે મોટરસાયકલ ચાલક પિતાને હાથમાં ફ્રેકચર થયું હોય. અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ભાગી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતની ઘટના બાદ ન્યાયની માંગ સાથે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહીનું આશ્વાસન આપતા ચક્કાજામ દૂર કરાયો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના નાગલપર ગામે રહેતા કુંવરજીભાઇ જીલાભાઈ રાતોજા ઉવ.૩૫ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ગઈ તા.૧૦/૦૨ના રોજ કુંવરજીભાઇ તથા તેમના પત્ની અને દીકરો-દીકરી એમ ચારેય જન પોતાના હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એએ-૫૩૪૮ લઈને ઢુંવા ચોકડીએ બેંકનું કામ પૂર્ણ કરીને પરત પોતાના ગામ નાગલપર જઈ રહ્યા હતા ત્યારે માટેલ ગામથી જામસર ચોકડી વચ્ચે આવેલ ખોડિયાર માઁ ના પરબ નજીક ડમ્પરના ચાલકે પોતાનું વાહન પુરપાટ ગતિએ ચલાવી આગળ જતાં કુંવરજીભાઇ બાઇકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં મોટરસાયકલમાં સવાર ચારેય વ્યક્તિ નીચે રોડ ઉપર પટકાયા હતા, જ્યારે ડમ્પર-ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.

અકસ્માતની ઘટના બાદ સ્થળ ઉપર એકઠા થયેલા લોકોએ ૧૦૮ ના બોલાવતા પરિવારના ચારેય સભ્યોને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં મોટર સાયકલ ચાલક કુંવરજીભાઈને હાથમાં ફ્રેકચર, તેમના પત્ની જાનાબેનને પેડુમાં, કમરના ભાગે, હાથમાં તથા માથામાં ગંભીર ઈજા અને દીકરી અર્ચના ઉવ.૧૩ને હાથમાં તથા માથામાં ઇજા તથા કુંવરજીભાઇ દીકરા સુરેશ ઉવ.૦૬ ને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું સ્થળ ઉપર કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની ગતિવિધિ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!