મહેસાણાથી દ્વારકા જતી બસ પલ્ટી મારી જતા બસ-ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
મોરબીના આમરણ નજીક મહેસાણાથી દ્વારકા પૂનમ ભરવા જતા યાત્રિકોની ખાનગી બસ પલ્ટી મારી જતા બસમાં ૩૫ જેટલા મુસાફરો સવાર હતા ત્યારે ૧૬ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી, ત્યારે અકસ્માત બાદ ખાનગી બસનો ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ ઇજાગ્રસ્ત મુસાફર દ્વારા ખાનગી બસના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા હાઇવે રોડ પસાભાઈ પેટ્રોલપંપ પાછળ મહેસાણાના રહેવાસી પરેશભાઈ નારણભાઇ આલ ઉવ.૩૬ એ મોરબી તાલુકા પોલીસ સમક્ષ ખાનગી બસ રજી.નં. જીજે-૦૫-બીએક્સ-૫૫૮૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૨/૦૨ના રોજ સાંજે મહેસાણાની સરદાર ટ્રાવેલ્સની બસમાં દ્વારકા પૂનમ ભરવા જતા હોય ત્યારે ટ્રાવેલ્સ બસ મહેસાણાથી મોરબીના આમરણ રાત્રીના બે વાગ્યાના સુમારે પહોંચી હોય ત્યારે બસના ચાલક દ્વારા બસ પુર ઝડપે અને બેફિકરાઈથી ચલાવતા બસ પલ્ટી ખાઈ ગયી હતી, અને બસમાં સવાર ૧૬ જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી, અકસ્માત બાદ બસનો ચાલક સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો, જે મુજબની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.